તાપી જિલ્લાનાં રેશનકાર્ડ ધારકોને મે અને જૂન માસનો અનાજનો જથ્થો વિતરણ કરવામાં આવશે

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૭. જાહેર વિતરણ વ્યવસ્થા યોજનામાં રાષ્ટ્રીય અન્ન સલામતિ કાયદા-૨૦૧૩ હેઠળ અંત્યોદય અને અગ્રતા ધરાવતા કુટુંબો એમ બે પ્રકારના કુટુંબોને સરકારશ્રી દ્વારા સસ્તા અનાજની દુકાન ખાતેથી સસ્તા અનાજનું વિતરણ કરવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા મે-૨૦૨૫ માસમાં મે માસના ઘઉં, ચોખા, ખાંડ અને મીઠાનો તથા જૂન માસના ઘઉં અને ચોખાનું વિતરણ કરવા સુચના આપેલ છે જેનું વિતરણ ૩૧-મે ૨૦૨૫ સુધી કરવામાં આવનાર છે.
જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા જિલ્લાના રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા-૨૦૧૩ હેઠળ સમાવિષ્ટ અંત્યોદય અને અગ્રતા ધરાવતા કુટુંબોને સસ્તા અનાજની વાજબી ભાવની દુકાન ખાતેથી મે-૨૫ માસમાં મે અને જૂન માસનો અનાજનો જથ્થો સમયસર મેળવી લેવા અનુરોધ કરવામાં આવે છે. જે એન.એફ.એસ.એ. રેશનકાર્ડ ધારકોનું ઈ-કેવાયસી બાકીમાં છે તે રેશનકાર્ડ ધારકો ઈ-કેવાયસી કરાવતા સંલગ્ન મામલતદાર કચેરીના નાયબ મામલતદાર પુરવઠાશ્રી તથા ઝોનલ કચેરીના ઝોનલ ઓફિસરશ્રી દ્વારા એપ્રૂવ આપ્યાના ચોવીસ (૨૪) કલાક બાદ સસ્તા અનાજની દુકાન ખાતેથી મળવાપાત્ર અનાજનો જથ્થો મેળવી શકશે. મે અને જુન માસના વિતરણ માટે દરેક કાર્ડ ધારકે ૩વખત આધાર આધારિત ઓથેન્ટિફિકેશન કરવાનું રહેશે. જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, તાપીની અખબારી યાદીમાં જણાવ્યું છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.