કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં ઓલપાડ તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓનાં ૧૬૩ વિદ્યાર્થીઓએ મેરીટમાં સ્થાન અંકિત કર્યુ

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ નાં શૈક્ષણિક સત્રથી જ્ઞાનશક્તિ રેસીડેન્સિયલ સ્કૂલ્સ, જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસીડેન્સિયલ સ્કૂલ્સ અને રક્ષાશક્તિ સ્કૂલ્સમાં ધોરણ-૬ માં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટના (CET) મેરીટનાં આધારે સ્કોલરશીપ યોજના શરૂ થયેલ છે. જેનાં પગલે તાજેતરમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કોમન એન્ટ્રન્સ ટેસ્ટ તેનાં નિયત સમયપત્રક મુજબ લેવામાં આવી હતી. જેમાં ઓલપાડ તાલુકાનાં કુલ ૧૬૩ જેટલાં સરકારી પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓએ પરિણામનાં અંતે મેરીટ લિસ્ટમાં પોતાનું સ્થાન અંકિત કર્યુ હતું. જે અંતર્ગત તાલુકાનાં તમામ ક્લસ્ટરમાં વિધાર્થીઓને પ્રોત્સાહન આપવા તથા તેમનાં વાલીઓને માર્ગદર્શન આપવા અર્થે વિશેષ મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે તમામ વિદ્યાર્થીઓને તેમની નોંધપાત્ર ઉપલબ્ધિ બદલ બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલ સહિત બીઆરસી પરિવારે અભિનંદન પાઠવ્યા હતાં.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.