16 એપ્રિલનાં રોજ જિલ્લા પંચાયત કચેરી સુરત ખાતે HTAT મુખ્યશિક્ષકોનાં જિલ્લા ફેરબદલી કેમ્પનું આયોજન

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : રાજ્યની પ્રાથમિક શાળાઓનાં HTAT મુખ્યશિક્ષકોનાં જિલ્લા ફેરબદલી કેમ્પનું ઓફલાઈન પદ્ધતિથી આયોજન કરવામાં આવેલ છે. HTATનાં સુધારા ઠરાવ પ્રસિદ્ધ કરવામાં આવ્યા બાદ તાકીદે જિલ્લા ફેરબદલી કેમ્પ યોજવા માટે સુચના અપાઈ હતી. જેનાં અનુસંધાને પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની કચેરી દ્વારા તા.16 એપ્રિલનાં રોજ જિલ્લા ફેરબદલી કેમ્પ દ્વારા શાળા પસંદગી કરાવી હુકમો ઈશ્યૂ કરવામાં આવશે.
સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ પાસેથી મળતી માહિતી અનુસાર શિક્ષણ વિભાગ દ્વારા 27 ડિસેમ્બર 2024 નાં પત્રથી HTAT મુખ્યશિક્ષકોનાં જિલ્લા ફેરબદલી કેમ્પ વિગતવાર જાહેર કરી અગ્રતાનાં ધોરણે કામગીરી પૂર્ણ કરવા સૂચના આપી હતી. જેનાં અનુસંધાને પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની કચેરી દ્વારા તા. 31 ડિસેમ્બર 2024 નાં પત્રથી HTAT મુખ્યશિક્ષકોનાં જિલ્લા ફેરબદલી કેમ્પનું ઓફલાઈન પધ્ધતિથી આયોજન કરવા સૂચના આપવામાં આવી હતી. આ તમામ પ્રક્રિયા વચ્ચે પ્રાથમિક શાળાઓનાં મુખ્યશિક્ષકોની બદલીનાં નિયમોને લઈને સુધારો કરવા તથા બદલી કેમ્પ જાહેર કરવાને લઈને રજૂઆતો થઈ હતી. જેનાં પગલે શિક્ષણ વિભાગ દ્વારા તા. 28 માર્ચ, 2025 નાં રોજ સુધારા ઠરાવ બહાર પાડવામાં આવ્યો હતો. આ સુધારા ઠરાવની જોગવાઈ ધ્યાને લઇ HTAT મુખ્યશિક્ષકોનાં જિલ્લા ફેરબદલી કેમ્પની કાર્યવાહી વહેલી તકે પૂર્ણ કરવા વિગતવાર સમયપત્રક જાહેર કરવા માટે પણ શિક્ષણ વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી હતી. જે સૂચનાનાં પગલે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી. પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની કચેરીને મળેલી સૂચનાનાં સંદર્ભે HTAT મુખ્યશિક્ષકોનાં જિલ્લા ફેરબદલી માટે આવેલી અરજીઓની શિક્ષણ વિભાગનાં તા. 28 માર્ચ 2025 નાં સુધારા ઠરાવથી પ્રસિદ્ધ બદલી નિયમોની જોગવાઈ ધ્યાને લઈ નક્કી કરવામાં આવેલા સમયપત્રક મુજબ HTAT મુખ્યશિક્ષકોનાં જિલ્લા ફેરબદલી કેમ્પની સ્થગિત કરવામાં આવેલી કાર્યવાહી પૂર્ણ કરવા માટે તાકીદ કરવામાં આવી છે. જે અનુસાર તા. 4 એપ્રિલનાં રોજ સંબંધિત જિલ્લા તથા નગરને મળેલી અરજીઓની અગ્રતા મુજબની યાદી જાહેર કરવામાં આવશે. ત્યારબાદ તા. 16 એપ્રિલનાં રોજ જિલ્લા ફેરબદલી માટે કેમ્પ દ્વારા શાળા પસંદગી કરાવી હુકમ ઈશ્યૂ કરવામાં આવશે. જે અંતર્ગત બદલી ઈચ્છૂક ઉમેદવારોએ સ્થળ પસંદગી માટે 501, ઓડીટોરીયમ, પાંચમો માળ, ન્યુ જિલ્લા પંચાયત ભવન સુરત, વેસુ રોડ, સુરત ખાતે તા. 16/04/2025 નાં રોજ સવારે 11:00 કલાકે અચૂક હાજર રહેવા જણાવવામાં આવે છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.