ઓલપાડ પંથકમાં છત્રપતિ શિવાજી મહારાજની 395મી જન્મજયંતિની દબદબાભેર ઉજવણી કરવામાં આવી

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : જેમનાં પરાક્રમની ગાથાઓ યુગો સુધી હિંદભૂમિ પર ગવાતી રહેશે તેવાં અદ્વિતીય યોદ્ધા, બેજોડ પ્રશાસક, હિંદ સ્વરાજ્યનાં પ્રણેતા છત્રપતિ શિવાજી મહારાજની 395મી જન્મ જયંતિની ઓલપાડ પંથકમાં દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી.
ઉજવણીનાં ભાગરૂપે ઓલપાડ તાલુકાનાં અટોદરા સ્થિત ઓરબીટ સ્કૂલ ચોકડીથી નીકળી ક્રિષ્ના રેસીડેન્સી સુધી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેવાભાઈ વકારે, વિનાયક વાનખેડે, સંતોષ ગાયકર, શૈલેષ કસ્તુરે, મિતેષ સોની, કમલેશ પટેલ, શિવ ગુપ્તા, ઘનશ્યામ પાટીલ, કાલુસિંહ ચૌહાણ, શિવ માલી સહિતનાં સ્વયંસેવકો ઉપરાંત સ્થાનિક ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા હતાં. શોભાયાત્રામાં સ્વયંસેવકોનાં જય ભવાની જય શિવાજીનાં ગગનભેદી નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અને સર્વત્ર કેસરીયો લહેરાયો હતો.
સમાપન સ્થળે શોભાયાત્રા સભામાં ફેરવાઈ હતી. અહીં સૌએ શિવાજી મહારાજની છબીને પુષ્પહાર ચઢાવી નમન કર્યા હતાં. ત્યારબાદ અહીં શિવાજી મહારાજની વીરગાથા વર્ણવતાં જણાવાયું હતું કે છત્રપતિ શિવાજી મહારાજ તેમનાં અદભૂત શાણપણ અને સાહસ માટે જાણીતા હતાં. સ્વતંત્રતા ચળવળ દરમિયાન બ્રિટિશ શાસનની વિરુદ્ધ ઊભા રહીને લોકોને એકસાથે લાવવામાં તેમની ભૂમિકા મહત્વની હતી. તેઓ દેશનાં શૌર્યપુત્રોમાંનાં એક હતાં જેમને આજે પણ ’મરાઠા ગૌરવ’ તરીકે ઓળખવામાં આવે છે. અંતમાં સૌ તેમનાં સૂત્ર ‘જ્યારે તમારું મનોબળ દ્રઢ હશે ત્યારે પર્વત જેવી આફત અને સંઘર્ષ પણ માટીનાં ઢગ સમાન લાગશે’ ને યાદ કરી રાષ્ટ્રગાન સાથે છૂટા પડ્યાં હતાં.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.