ઓલપાડની કરમલા પ્રાથમિક શાળામાં બાળકોને શ્રાધ્ધ પક્ષ નિમિત્તે તિથિ ભોજન આપવામાં આવ્યું
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : હિંદુ ધર્મનાં લોકોમાં શ્રધ્ધાથી પિતૃઓને જે અંજલિ આપવામાં આવે છે તેને શ્રાધ્ધ કહેવાય છે. મનુષ્ય માત્ર ઉપર મુખ્ય ત્રણ પ્રકારનાં ઋણ હોય છે. દેવ ઋણ, આચાર્ય ઋણ અને પિતૃ ઋણ. શ્રાધ્ધ પક્ષ દરમિયાન પિતૃઓને સાચું શ્રદ્ધા સુમન અર્પણ કરવાનાં ભાવ સાથે ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત કરમલા પ્રાથમિક શાળામાં તિથિ ભોજન યોજવામાં આવ્યું હતું.
શાળાનાં આચાર્ય નિલેશભાઈ દુર્લભભાઈ પટેલ તથા તેમનાં ધર્મપત્ની એવાં શાળાનાં ઉપશિક્ષિકા વર્ષાબેન નિલેશભાઈ પટેલ તરફથી તેમનાં પિતૃઓનાં મોક્ષાર્થે શાળામાં અભ્યાસ કરતાં તમામ બાળકોને પૌષ્ટિક ભોજન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે આ શિક્ષક દંપતીએ શાળા સ્ટાફ સાથે ખડપગે રહીને બાળકોને ભાવપૂર્વક ભોજન પીરસ્યું હતું.
સદર શાળાનાં બાળકો વતી શેષ સ્ટાફગણે તિથિ ભોજન બદલ નિલેશભાઈ તથા તેમનાં પરિવારજનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
