ઓલપાડ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે ગુજરાતી તથા હિન્દી વિષયની તાલીમ યોજાઇ
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડુ) : યુનેસ્કોનાં અહેવાલમાં 21મી સદીનાં સંદર્ભમાં આજીવન શિક્ષણની વાત કરવામાં આવી છે. ઉપરાંત રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 માં પણ શિક્ષકો માટે સતત વ્યાવસાયિક સજ્જતાનાં ભાગરૂપે દર વર્ષે 50 કલાકની (Cantiriugus Professional Development-(PD) તાલીમની ભલામણ કરવામાં આવી છે. જેનાં ભાગરૂપે બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ દ્વારા ધોરણ 3 થી 5 નાં ગુજરાતી તેમજ ધોરણ 4 અને 5 નાં હિન્દી વિષયનાં તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઓલપાડ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે યોજાયેલ આ તાલીમ વર્ગમાં તાલુકાની પ્રાથમિક શાળાઓમાં ધોરણ 3 થી 5 માં ગુજરાતી તેમજ ધોરણ 4 અને 5 માં હિન્દી વિષય લેતાં શિક્ષક ભાઈ-બહેનોએ સહર્ષ ભાગ લીધો હતો. તાલીમ વર્ગનાં પ્રારંભે બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલે સૌને આવકારી જણાવ્યું હતું કે ગુણવત્તાસભર શિક્ષણ પ્રદાન કરવા વર્ગખંડમાં ઈનોવેટીવ પેડાગોજીનો ઉપયોગ અસરકારક માધ્યમ સાબિત થઈ શકે છે. અપેક્ષિત શૈક્ષણિક ધ્યેયોને પરિપૂર્ણ કરવા માટે આપણામાં બદલાવ જરૂરી છે.
સદર તાલીમ વર્ગનાં તજજ્ઞ એવાં અશોક પટેલ (આડમોર), અજય પટેલ (ટકારમા), નીતા પટેલ (ઈશનપોર), હીના પટેલ (અટોદરા), ચારુલતા પટેલ (રસુલાબાદ), હર્ષાદેવી પટેલ (દિહેણ), મીના ખેર (અંબિકાનગર), માલતી પટેલ (સોંદલાખારા) તથા નવીન ચૌધરી (સ્યાદલા)એ તાલીમાર્થીઓને મોડયુલ અનુસાર ઉત્કૃષ્ટ શૈક્ષણિક ભાથુ પીરસ્યું હતું. અભિનયગીત, નાટયીકરણ, રમત તથા જૂથકાર્ય જેવી વિવિધ પ્રવૃત્તિઓમાં તાલીમાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતાં. પ્રિ-ટેસ્ટ અને પોસ્ટ ટેસ્ટ સાથે તાલીમાર્થીઓએ પોતાનાં પ્રતિભાવો પણ રજૂ કર્યા હતાં. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.