માંગરોલ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ તરીકે હિતેન્દ્રભાઈ ચૌધરી મહામંત્રી તરીકે અજીતસિંહ પુનાડા બિનહરીફ વરાયા
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : : તા.૨૯ સુરત જિલ્લાનાં માંગરોલ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનું ત્રિવાર્ષિક અધિવેશન અત્રેનાં ટીચર્સ સોસાયટીનાં સભાખંડમાં સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં મહામંત્રી અરવિંદભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યું હતું. પ્રારંભે બે મિનિટનું મૌન પાળી સૌને શાબ્દિક આવકાર આપવામાં આવ્યો હતો. સદર અધિવેશનમાં સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં સલાહકાર સમિતિનાં કન્વીનર અનિલભાઈ ચૌધરી, સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં ઉપપ્રમુખ ઈમરાનખાન પઠાણ, મોહનસિંહ ખેર, રાજેન્દ્રસિંહ ચૌહાણ, અશ્વિનસિંહ વાંસિયા રાજેન્દ્રસિંહ વાસદીયા, ઉપેન્દ્રસિંહ ગભાણીયા, તાલુકા સંઘનાં નવા તમામ હોદ્દેદારો તથા શિક્ષકો હાજર રહ્યાં હતાં.
એજન્ડા મુજબની કાર્યવાહી શરૂ થયા બાદ ચૂંટણી અધિકારી ઈમરાનખાન પઠાણ દ્વારા માંગરોળ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં અગામી વર્ષ 2024 થી 2027 સુધીની મુદત માટે બિનહરીફ હોદ્દેદારોનાં નામો જાહેર કરવામાં આવ્યા હતાં. જેમાં પ્રમુખ તરીકે ઈશનપુર પ્રા. શાળાનાં હિતેન્દ્રભાઈ બી.ચૌધરી, મહામંત્રી તરીકે આંકદોડ પ્રા. શાળાનાં અજીતસિંહ પી.પુનાડા, સિનિયર કાર્યવાહક પ્રમુખ તરીકે મોરઆમલી પ્રા. શાળાનાં સંજયકુમાર એલ.ચૌધરી, કાર્યવાહક પ્રમુખ તરીકે લીંડીયાત જી.ઈ.બી. કોલોની પ્રા.શાળાનાં દિનેશભાઈ આર.પરમાર, ઉપપ્રમુખ તરીકે ઝરણી પ્રા. શાળાનાં વિનોદભાઈ એમ.ચૌધરી જ્યારે નાણાંમંત્રી તરીકે હરસણી પ્રા. શાળાનાં જયંતિભાઈ એન.પરમારને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતાં. નવનિયુક્ત તમામ હોદ્દેદારોને ઉપસ્થિત આગેવાનોએ હાર પહેરાવીને શુભેચ્છા પાઠવી હતી. આ તકે શિક્ષકોનાં પ્રશ્નોનાં સંતોષકારક ઉકેલની ખાતરી સાથે હિતેન્દ્રભાઈ તથા અજીતસિંહે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. અંતમાં આભારવિધિ ઐયુબખાન પઠાણે આટોપી હતી.