ચિત્રકૂટ એવોર્ડ વિજેતા સીથાણનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર રાકેશ મહેતાનું તાલુકા કક્ષાએ સન્માન
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ શિક્ષક માટેનાં ચિત્રકૂટ એવોર્ડ માટે ઓલપાડ તાલુકાનાં ક્લસ્ટર રિસોર્સ સેન્ટર, સીથાણનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર રાકેશ મહેતાની પસંદગી થવા પામી હતી. જેમને સંત શિરોમણી પૂજ્ય મોરારીબાપુનાં વરદ હસ્તે પ્રશસ્તિપત્ર તથા ₹ 25 હજારનો ચેક અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતાં. સુરત શહેરને અડીને આવેલ સેગવાછામા ગામ સ્થિત સર્વોદય વિદ્યાલય ખાતે ચિત્રકૂટ એવોર્ડ મેળવી ઓલપાડ સહિત સમગ્ર સુરત જિલ્લાનું નામ રોશન કરનાર રાકેશ મહેતાનું બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
સુરત જિલ્લા પ્રાથમિક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી નગીનભાઈ પટેલ, બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલ, સર્વોદય વિદ્યાલય ટ્રસ્ટ પ્રમુખ શાંતિલાલ પટેલ તથા આચાર્ય મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં રાકેશ મહેતાને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જયેશભાઈ પટેલનાં વરદ હસ્તે શાલ ઓઢાડી પુષ્પગુચ્છ સાથે અભિનંદનપત્ર અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતાં.
આ સાથે શાળા, શિક્ષકો તથા બાળકોનાં સર્વાંગી વિકાસ અર્થે હરહંમેશ તત્પર એવાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જયેશભાઈ પટેલનું ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ વતી પ્રમુખ બળદેવભાઈ પટેલ તથા મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોર દ્વારા શાલ ઓઢાડી પુષ્પગુચ્છ સાથે સ્મૃતિપ્રત અર્પણ કરી અભિવાદન કરવામાં આવ્યું હતું. જેમની સાથે તાલુકા સંઘનાં હોદ્દેદારો પણ જોડાયા હતાં. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.