વ્યારા ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ

Contact News Publisher

પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે વનોનું સંવર્ધન થાય તે માટે વન વિભાગ અને જિલ્લા વહીવટીતંત્રના સંકલન અધિકારી/કર્મચારીઓ અને નાગરિકો મળીને કુલ ૫૦થી વધુ સાઈકલીસ્ટ ભાઈઓ-બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો.

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૫- તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે આજરોજ ૫ જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.પર્યાવરણની સમતુલા જળવાય અને તેની જાળવણી કરવામાં આવે એવા શુભ આશયથી વન વિભાગ વ્યારા દ્વારા વ્યારાથી આંબાપાણી ઈકોટુરિઝમ સુધી વન વિભાગ દ્વારા સાઈકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.જિલ્લા વહીવટીતંત્રના સંકલન અધિકારી/કર્મચારીઓ અને નાગરિકો મળીને કુલ ૫૦થી વધુ પર્યાવરણ પ્રેમી ભાઈઓ-બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો.
તાપી કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગ તથા નાયબ વન સંરક્ષકશ્રી પુનિત નૈયર ના વરદ્ હસ્તે જિલ્લા સેવાસદન ખાતેથી સાઈકલ રેલીને પ્રસ્થાન કરાવાયું હતું. પર્યાવરણ વિશે જાગૃતિ આવે તે માટે પ્રેરક સંદેશ સાથે પર્યાવરણ પ્રેમી સાઈકલવીરો ખુશખુશાલ બની ગયા હતા. કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગે પર્યાવરણ જાગૃતિ વિશે જણાવ્યું હતું કે ગ્લોબલ વોર્મીંગ ને કારણે પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે. ત્યારે માનવજાત ધરતીની રક્ષા કરે તે ખૂબ જરૂરી છે. કુદરતી રીતે ઉગેલા વૃક્ષોનું જતન કરવું જોઈએ વધુમાં વધુ વૃક્ષો વાવીને તેનું જતન કરવું જોઈએ.વનરાજી છવાયેલી રહેશે તો સહેલાણીઓ માટે સુંદર સ્થળોનું નિર્માણ થાય છે.
નાયબ વનસંરક્ષક શ્રી પુનિત નૈયરે વૃક્ષોનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે વડ, પીપળો, આંબલી, લીમડો જેવા વૃક્ષો ઘટાદાર થાય છે. વળી આ વૃક્ષો જ્યાં હોય ત્યાં આજુબાજુ ના વિસ્તારનું તાપમાન જળવાયેલુ રહે છે. જેથી વધુમાં વધુ વૃક્ષો વાવવામાં આવે તો પર્યાવરણની સમતુલા જળવાઈ રહે છે.
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે યોજાયેલી સાઈકલ રેલીમાં જિલ્લા સેવાસદનના અધિકારી/કર્મચારીઓ , વનવિભાગના ૧૫ તેમજ દ.ગુ.વી.કું.ના ૧૬ જેટલા અધિકારી/કર્મચારીઓ સહિત પર્યાવરણ પ્રેમી અને સાયકલ સ્ટોર ધરાવતા વિશાલભાઈ જાદવ ના ૨૦ જેટલા મિત્રોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.સાથે સૂચન કર્યું હતું કે અમારૂ ગૃપ વૃક્ષોના પ્લાન્ટેશન માટે તૈયાર છે. અમે આપના આ સેવાકાર્યમાં સહભાગી થઈશું.ભાગ લેનાર તમામને વનવિભાગ તરફથી પ્રશસ્તિ પત્ર અને છોડ મહાનુભાવોના હસ્તે અર્પણ કરાયા હતા. આ વેળાએ નિવાસી અધિક કલેકટર આર.આર. બોરડ, સ્પોર્ટસ ઓથોરિટિના ચેતન પટેલ, સહાયક માહિતી નિયામક નિનેશકુમાર ભાભોરે તમામ સાઈકલીસ્ટો ને શુભેચ્છાઓ પાઠવી હતી.
૦૦૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *