વઘઈ રેન્જના વનકર્મીઓએ તસ્કરોને હંફાવ્યા : મુદ્દામાલ નાખી ભાગવાની આવી નોબત
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : તા: ૧૯: ડાંગ વન વિભાગના જાંબાઝ વનકર્મીઓએ, તસ્કરોને હંફાવી દીધા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
વઘઈ રેન્જના આર.એફ.ઓ. શ્રી દિલીપ રબારીના માર્ગદર્શન હેઠળ, રેન્જના વનકર્મીઓ પુરા ખંત, મહેનત અને ચોકસાઈ સાથે, ખુલ્લી તિજોરી સમાન જંગલમાં, હરહંમેશ બાજ નજર રાખતા હોય છે.
તે જ રીતે ગતરોજ પણ વનકર્મીઓ પહેરો દઈને બેઠા હતા, ત્યારે જ તેમને જંગલમાંથી તસ્કરી થઇ રહી હોવાની બાતમી મળી હતી. તુરત જ આ વનકર્મીઓએ વોચ ગોઠવતા, તસ્કરોને મુદ્દામાલ નાખી ભાગવાની નોબત આવી પડી હતી. ત્યારે વઘઈ રેન્જના વનકર્મીઓએ તસ્કરોને હંફાવી દેવાની ઘટના પ્રકાશમાં આવતા તસ્કરોમાં ફફડાહટ મચી જવા પામ્યો છે.
ગુજરાત રાજ્યના ડાંગ જિલ્લામાં આવેલ વઘઈ રેન્જ અને મહારાષ્ટ્ર રાજ્યના નાશિક જિલ્લામાં આવેલ ઉમરથાણા રેન્જના વન વિભાગનાં કર્મચારીઓ દ્વારા બાતમીના આધારે વોચ રાખીને વન કર્મચારીઓ જીવનાં જોખમે બેઠાં હતાં. પરંતુ તસ્કરોને તેની ગંધ આવતાં, મુદ્દામાલ નાખી ભાગવાની નોબત આવી હતી. રાતનો સમય હોવાથી તસ્કરો ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા.
ખીરમાણી મહારાષ્ટ્ર બોર્ડર ખાતે વન કર્મચારીઓના બીકના કારણે ખેરના નંગ.૧૪, ઘન મીટર ૦.૮૦૮ માલ તસ્કરો નાખી ભાગ્યા હતા. જે બાબતની વઘઈ રેન્જને જાણ થતા રેન્જના અધિકારીઓ ઘટના સ્થળે પોતાની ટીમ સાથે ધસી આવ્યા હતા. અને ઇન્ચાર્જ આર.એફ.ઓ. સુનીલસિંહ વાઘેલા તથા રંભાસ રાઉન્ડ ફોરેસ્ટર કિરણભાઈ એ.પટેલે કાયદેસરની કાર્યવાહી કરી માલ પોતાના કબજામાં લઈ, ગુન્હો નોંધી આગળની તપાસ તેજ કરી છે.
–