બેટી બચાવો-બેટી પઢાઓ સૂત્રને સાર્થક કરતી ઓલપાડનાં અસનાડ ગામની પાર્થી દેસાઈ
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : સુરત શહેરનાં અડાજણ વિસ્તાર સ્થિત વી.ડી. દેસાઈ વાડીવાલા સ્કૂલ (ભૂલકા ભવન) માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની પાર્થી શૈલેષભાઈ દેસાઈએ ગ્લોબલ બોર્ડની ધોરણ 10 ની પરીક્ષામાં A 1 ગ્રેડ મેળવી સમગ્ર અડાજણ વિસ્તાર સહિત પોતાનાં છેવાડાનાં માદરે વતન અસનાડ ગામનું નામ રોશન કરેલ છે.
શહેરનાં અડાજણ વિસ્તારની આશુતોષ પાર્ક સોસાયટીનાં નિવાસી દંપતી શૈલેષ દેસાઈ અને રિન્કુ દેસાઈની આ પ્રતિભાવંત દીકરીએ ધોરણ 10 માં 91.17 ટકા (97.27 PR) મેળવી અપેક્ષિત પરિણામ હાંસલ કર્યું હતું.
‘બેટી બચાવો-બેટી પઢાઓ’ નાં સૂત્રને આત્મસાત કરનારા માવતરની અપેક્ષાને પ્રબળ ઇચ્છાશક્તિ ધરાવતી આ દીકરીએ ખરા અર્થમાં સાર્થક કરી બતાવી પોતાનાં પરિવાર, ગામ સહિત ઓલપાડ તાલુકાનું નામ રોશન કરેલ છે. બાળપણથી ઉજ્જવળ કારકિર્દી બનાવવાનો દ્ઢ સંકલ્પ ધરાવતી પાર્થી દેસાઈની ઝળહળતી સફળતા બદલ ભૂલકા ભવન શાળાનાં ટ્રસ્ટી મિનાક્ષીબેન દેસાઈ તથા શાળા પરિવાર, ઓલપાડ તાલુકા અનાવિલ પરિવાર ઉપરાંત અસનાડ ગ્રામજનોએ અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી હતી.