તાપી જિલ્લામાં મતદાન જાગૃતતા કાર્યક્રમ વેગવાન
લોકોને મતદાનનું મહત્વ સમજાવી લોકશાહીના મહાપર્વમાં સામેલ કરવા જિલ્લા ચૂંટણીતંત્રની કામગીરી નોંધનીય
—-
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : 23 :- લોકતંત્રને પાયાથી મજબૂત કરવા માટે સમાજના પ્રત્યેક નાગરિકોનું મહત્વનું યોગદાન રહેલું છે. આગામી તા. ૦૭ મે, ૨૦૨૪ ના રોજ દેશભરમાં વિવિધ તબક્કાઓમાં લોકસભા સામાન્ય ચૂંટણીઓ યોજાશે. તાપી જિલ્લામાં પણ લોકસભા સામાન્ય ચૂંટણી અન્વયે લોકોની ભૂમિકા મહત્વની રહેશે. લોકો વડે, લોકો માટે અને લોકો દ્વારા ચાલતી આ લોકતંત્રની શાસન પ્રણાલીને વેગવાન બનાવવા માટે બંધારણ દ્વારા સૌને મતાધિકારનો હક્ક મળ્યો છે.
જે અન્વયે આજે નિઝર તાલુકાના સરવાળા ગામમાં આંગણવાડી ખાતે મહિલા બહેનો અને યુવા મતદારો દ્વારા ‘મારો મત મારું ભવિષ્ય’ને ધ્યાનમાં રાખી મતદાન કરવા અંગેના સંકલ્પબદ્ધ થયા હતા. ઉચ્છલ તાલુકાના ટોકરવા ગામ ખાતે “લોકશાહીના મહાપર્વમાં મતદાન કરવાનું ચૂકશો નહિ”ના સંદેશ થકી ગામના 10 થી 15 જેટલા લોકોને મતદાન કરવા જાગૃત કરવામાં આવ્યા હતા. સોનગઢ તાલુકાના બંધારપાડા ગામના હેર સલુનમાં યુવા મતદારો દ્વારા “તમારું મતદાન લોકતંત્રનું પ્રાણ”, “કરો પ્રયત્ન ઝાઝા, છૂટે નહીં એક પણ મતદાતા” જેવા પોસ્ટરોના પ્રદર્શન થકી મતદાન જાગૃતિ અંગેનો કાર્યક્રમ યોજાયો હતો.
તાપી જિલ્લાના તમામ તાલુકાઓમાં થઈ રહેલી સ્વીપ એક્ટિવિટી દરમિયાન વ્યારામાં માલીવાડ ખાતેની સસ્તા અનાજની દુકાન પર આવતા ગ્રાહકોને તથા જેસીંગપુરાના નાગરિકોને પણ મતદાનનું મહત્વ સમજાવીને જાગૃત કરવામાં આવ્યા હતા.
તાપી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લાના નાગરિકોમાં ચૂંટણીલક્ષી જાગૃતતા કેળવવા માટે નોંધનીય કામગીરી થઈ રહી છે. બેનર્સ અને પોસ્ટરનો ઉપયોગ કરીને લોકોને મતદાન કરવા સંદેશો આપવામાં આવી રહ્યો છે.
0000