NPCIL-કાકરાપાર અણુવિદ્યુત મથક ખાતે ફાયર સર્વિસ-ડે નું આયોજન

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : કાકરાપાર અણુવિદ્યુત મથક ખાતે કાર્યરત કેન્દ્રીય ઔધ્યોગિક સુરક્ષા બળની અગ્નિશમન શાખા દ્વારા આજરોજ ફાયર સર્વિસ-ડે મનાવવામાં આવ્યો હતો જેમાં મુખ્ય અતિથિ તરીકે કાકરાપાર અણુ વિદ્યુત મથકના સાઇટ ડાયરેક્ટરશ્રી એન. કે. મિઠરવાલ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં મુખ્ય અતિથિશ્રી તેમજ ઉપસ્થિત અન્ય મહાનુભાઓએ વર્ષ 1944 માં બોમ્બે ડોકયાર્ડમાં ઘટેલ એક ભયાનક આગ અકસ્માતમાં શહીદ થયેલ અગ્નિશામકોને તેમજ ગત વર્ષ દરમિયાન વિવિધ આગ-અકસ્માતોમાં શહીદ થયેલ અગ્નિશામકોને શહીદ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી.
કાર્યક્રમના મુખ્ય અતિથિશ્રી શ્રી એન.કે. મિઠરવાલે તેમના પ્રાસંગિક ઉદ્બોધનમાં CISF ફાયર વિભાગની કામગીરીની પ્રશંસા કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે એ આનંદની વાત છે કે ગત વર્ષ દિનાંક 17/04/2023ના રોજ કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળની અગ્નિશમન શાખા દ્વારા કાકરાપાર અણુ વિદ્યુત મથકની અગ્નિશમન સેવા માટે નિયુક્તિ થયા બાદ અત્રેની ફાયર સેફ્ટીને લગતા વ્યવહારમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે અને છેલ્લા 1 વર્ષમાં કોઈ અનિચ્છનીય બનાવ નોંધાયેલ નથી જે એનપીસીઆઇએલ-કાકરાપાર અણુ વિદ્યુત મથક અને CISF ફાયર શાખાના સંયુક્ત પ્રયાસોનું પરિણામ છે. CISF ફાયર શાખા કાકરાપાર દ્વારા કાકરાપાર અણુ વિદ્યુત મથકની બહાર આસપાસના વિસ્તારમાંથી મળતા ફાયર કોલનો પણ જવાબ આપવામાં તેમની કાર્યક્ષમતા અને કર્તવ્યનિષ્ઠા દર્શાવી છે, જેના માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સમયાંતરે તેમની ખૂબ પ્રશંસા કરવામાં આવી છે. તેમણે ફાયર શાખાને અત્યાધુનિક સાધનોથી સજ્જ કરવાની ખાતરી આપી હતી. આ પ્રસંગે, સ્ટેશન ડાયરેક્ટર 3&4 શ્રી યશ લાલા, સ્ટેશન ડાયરેક્ટર 1&2 શ્રી અજય કુમાર ભોલે અને NPCIL-કાકરાપાર અણુ વિદ્યુત મથકના અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર હતા.
CISF-યુનિટ કમાન્ડર, કમાન્ડન્ટશ્રી બી. પી. સિંહ દ્વારા દિનાંક 14મી એપ્રિલ 2023 થી 1૩ મી એપ્રિલ 2024 સુધીના આગ અકસ્માતનો અહેવાલ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. કમાન્ડન્ટશ્રી બી. પી. સિંહે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, કેન્દ્રીય ઔધ્યોગિક સુરક્ષા બળ યુનિટ-કાકરાપારની ફાયર શાખા દ્વારા ફાયર સર્વિસ વીકનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેનું આજે ઉદ્ઘાટન છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અગ્નિશમન સપ્તાહનો ઉદ્દેશ પ્લાન્ટના કર્મચારીઓ, સામાન્ય નાગરિકો, શાળાના બાળકો અને અન્ય લોકોને અગ્નિ સલામતી વિશે જાગૃત કરવાનો છે. ભૂતકાળમાં થયેલા વિવિધ પ્રકારના આગ અકસ્માતોનું વર્ણન કરતાં તેમણે જણાવ્યું હતું કે ફાયર ફાઇટરોને સાચી શ્રદ્ધાંજલિ ત્યારે જ મળશે જ્યારે આપણે આપણા વ્યવહારિક જીવનમાં ફાયર સેફ્ટી સંબંધિત સાવચેતી અને માર્ગદર્શિકાને આત્મસાત કરીશું. એવા પગલાં લો કે, કાં તો આવી આગની ઘટનાઓ ન બને અથવા તો તેમની સંખ્યા ઘટી જાય. તેમણે જણાવ્યું હતું કે અગ્નિશમન સપ્તાહ દરમિયાન લોકોમાં આગ અકસ્માતો અંગે જાગૃતિ વધે તે માટે ફાયર બ્રિગેડ યુનિટ કેએપીએસ કાકરાપાર દ્વારા જ્ઞાનદીપ સ્કૂલ, ઉંચામાળા, ગુજરાતી માધ્યમની શાળા કેએપીએસ ટાઉનશીપ, એટમિક એનર્જી સેન્ટ્રલ સ્કૂલ, કેએપીએસ ટાઉનશીપ અને KAPS હોસ્પિટલ ખાતે શાળાના સ્ટાફ અને બાળકો માટે તાલીમ કાર્યક્રમો યોજાયા હતા. ફાયર વીક દરમિયાન વિવિધ પ્રકારની સ્પર્ધાઓ સાથે, પ્લાન્ટના કર્મચારીઓ, કોન્ટ્રેક્ટના કર્મચારીઓ અને કામદારો, CISF સુરક્ષા વિંગના સભ્યો અને CISF અને NPCILની ગૃહિણીઓ માટે પ્રાથમિક સારવાર તેમજ અગ્નિશમન તાલીમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જે દરમિયાન તેઓને પોતાના સ્તરે સંયન્ત્ર સલામતી અને ઘરની સલામતી અને આગ લાગવાના કારણો અને તેને કેવી રીતે રોકી શકાય તેની માહિતી આપવામાં આવશે. ફાયર વિંગ ઈન્ચાર્જ, ડેપ્યુટી કમાન્ડન્ટ/અગ્નિ શ્રી બી. પી.યાદવે મુખ્ય મહેમાન અને ઉપસ્થિત અન્ય મહાનુભાવોનું હૃદયપૂર્વક સ્વાગત કર્યું. કાર્યક્રમના અંતે ઇન્સ્પેક્ટર/ફાયર અરશદ અલી ખાને મુખ્ય મહેમાન અને ઉપસ્થિત અન્ય મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો.