દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રનિર્માણ માટે મહિલાઓની ચિંતા કરી છે – ધારાસભ્યશ્રી ડો.જયરામભાઈ ગામીત
નિઝર ખાતે નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : તા.૦૬- તાપી જિલ્લાની ૧૭૨ વિધાનસભા સીટના નિઝર એ.પી.એમ.સી.માર્કેટ ખાતે વિકસત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત નારી શક્તિ વંદના કાર્યક્રમ ધારાસભ્યશ્રી ડો.જયરામભાઈ ગામીતના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયત પ્રમુખ જાલમસિંહ વસાવા, જિલ્લા ગ્રામ વિકાસ નિયામક શ્રીમતિ ખ્યાતી પટેલ,પ્રાંત અધિકારીશ્રી જયકુમાર રાવલ સહિત પદાધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ તેમજ રાજ્યના મુખ્યમંત્રીશ્રીની વર્ચયુઅલ ઉપસ્થિતમાં યોજાયેલ આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં મહિલાઓએ ભાગ લઈ કાર્યક્રમને વધાવી લીધો હતો. સરકારશ્રીની વિવિધ યોજનાઓ થકી મહિલાઓને આર્થિક રીતે પગભર કરવા માટે યોજનાકીય લાભ આપી વિકસિત ભારતની સંકલ્પનાને સાકાર કરવા માટે સમગ્ર તાપી જિલ્લામાં નારી શક્તિ વંદના કાર્યક્રમનું આયોજન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ઉપક્રમે કરવામાં આવ્યું હતું.
ત્યાગ અને સમર્પણ કરતી નારી શક્તિને વધાવતા ધારાસભ્યશ્રી ડો.જયરામભાઈ ગામીતે જણાવ્યું હતું કે પહેલા મહિલાઓને ઘર સિવાય કોઈ કામગીરી સોંપતા ન હતા. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌ પ્રથમ વિકસિત ભારતના રાષ્ટ્ર નિર્માણ માટે મહિલાઓની ચિંતા કરી હતી. સખી મંડળની બહેનો,સ્વસહાય જૂથની બહેનોના ગૃપનું રજીસ્ટ્રેશન કરાવ્યું અને રાષ્ટ્રિય આજીવિકા મિશન, રીવોલ્વીંગ ફંડ જેવી યોજનાઓનો મહિલાઓને લાભ મળ્યો. બહેનોએ આ ફંડમાંથી જુદી જુદી કામગીરીઓ કરવાની શરૂ કરી,સસ્તા અનાજની દુકાન,પશુપાલન,ગુહ ઉદ્યોગ ક્ષેત્રે મહિલાઓ આર્થિક રીતે સધ્ધર બની છે. તેઓને રોજગારી મળી છે.આવનારા દિવસોમાં મહિલાઓ પાયલોટ બની, ટ્રેન પણ ચલાવે ત્યારે મહિલાઓ સાચા અર્થમાં વિકાસના ક્ષેત્રે આગળ વધી રહી છે. બધા જ લોકોના યોગદાનથી ૨૦૪૭માં ભારત દેશ વિકસિત દેશોની હરોળમાં પહોંચી જશે.
પ્રાંત અધિકારીશ્રી જયકુમાર રાવલે તમામ મહાનુભાવોનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો છે. નિઝર વિધાનસભા સીટના નિઝર,કુકરમુંડા, ઉચ્ચછલ અને સોનગઢ તાલુકાની મહિલાઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નારી શક્તિનું ગૌરવ વધાર્યું છે.
નિઝર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સર્વોદય સખી સંઘ,લક્ષ્મીખેડાને પશુપાલન માટે રૂા.૧૦ લાખનો ચેક,એકતા સખીમંડળ સેલુડને રૂા.૫ લાખનો ચેક, પંચશીલ સખીમંડળ,આમોદાને કેન્ટીન અને કરીયાણાની દુકાન માટે રૂા.૧૦ લાખનો ચેક,આદર્શ સખીમંડળ ભીલજાંબોલીને પશુપાલન માટે રૂા.૩૦ હજારનોમિશન મંગલમ ભૂમિ સખી મંડળને રૂા.૩૦ હજારનો ચેક મહાનુભાવોના હસ્તે અર્પણ કરાયા હતા. સરદાર પટેલ વિદ્યાલયની કન્યાઓએ પ્રાર્થના,સ્વાગત ગીત રજુ કર્યા હતા.
આ પ્રસંગે નિઝર,કુકરમુંડા ઉચ્છલ તાલુકા પંચાયત પ્રમુખશ્રીઓ, કારોબારી અધ્યક્ષ, નિઝર સરપંચ ચંદાબેન,મામલતદારશ્રી નિઝર,કુકરમુંડા,ઉચ્છલ સહિત પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
૦૦૦૦૦૦૦૦૦