પેનડાઉન, ચોકડાઉન અને શટડાઉન સ્ટ્રાઈક સાથે પોતાનાં આંદોલનને ઉગ્ર બનાવતા સુરત જિલ્લાનાં સરકારી કર્મચારીઓ
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : કર્મચારીઓની લાંબા સમયથી પડતર વિવિધ માંગણીઓ સંદર્ભે અવારનવાર લેખિત તથા મૌખિક રજૂઆત કરવા છતાં તેનું નિરાકરણ ન આવતાં સરકારી કર્મચારીઓનાં વિવિધ સંગઠનોનાં બનેલાં ગુજરાત રાજય સંયુકત કર્મચારી મોરચા અને ગુજરાત રાજય કર્મચારી મહામંડળ દ્રારા કરાયેલ એલાન સંદર્ભે આજરોજ પેનડાઉન, ચોકડાઉન અને શટડાઉન સ્ટ્રાઈક સહિતનાં આંદોલનમાં જોડાઈને સરકારી કર્મચારીઓએ આજે પોતાની ફરજ પર હાજર રહીને પોતાનો વિરોધ વ્યકત કર્યો હતો.
જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ અને ગુજરાત રાજય સંયુક્ત કર્મચારી મોરચો, સુરત એકમનાં પ્રમુખ કિરીટભાઈ પટેલે આંદોલન સંદર્ભે વિગતવાર માહિતી આપતાં જણાવ્યું હતું કે કર્મચારીઓનાં લાંબા સમયથી પડતર વિવિધ પ્રશ્નો અંગે ભૂતકાળમાં સરકાર સાથે ચર્ચા થઈ હતી અને ત્યારે તારીખ 16 સપ્ટેમ્બર 2022 નાં રોજ પાંચ મંત્રીઓની કમિટીની રચના કરવામાં આવી હતી. જે કમિટીનાં રિપોર્ટની અમલવારી કરવાની અમારી માંગણી છે. વર્ષ 2004 પછી રાજય સરકારનાં વિવિધ વિભાગોમાં નોકરી મેળવનાર કર્મચારીઓ માટે નવી પેન્શન સ્કીમ અમલમાં મુકાઈ છે, તેની સામે ગુજરાત સરકારનાં કર્મચારીઓ દ્રારા વિરોધ થઈ રહ્યો થયો છે. જૂની પેન્શન સ્કીમનો અમલ અન્ય રાજ્યો કરી રહ્યાં છે ત્યારે ગુજરાત સરકારે વિધાનસભાની ચૂંટણી પહેલાં આપેલ ખાતરીનાં મુદ્દે વિલંબ કેમ છે ? તેમણે આ મામલે ચીમકી ઉચ્ચારી હતી કે સદર સ્ટ્રાઈક પછી પણ સરકાર ઉદાસીન રહેશે તો આગામી લોકસભાની ચૂંટણી પૂર્વે અમારા આંદોલનને આશ્ચર્યજનક કાર્યક્રમ સાથે વેગવાન બનાવાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે આજનાં પેનડાઉન, ચોકડાઉન, શટડાઉનનાં કાર્યક્રમ અંતર્ગત સરકારી કર્મચારીઓએ પોતાનાં શૈક્ષણિક અને વહીવટીકાર્યથી અળગા રહીને સરકાર સમક્ષ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. તાલુકા મથકો તથા જિલ્લા મથકો સ્થિત વિવિધ કચેરીઓમાં આ સ્ટ્રાઈકને પગલે સામાન્ય જનતાની પાંખી અવરજવર જોવા મળી હતી.