HHFMC પબ્લિક સ્કૂલ ખાતે વાર્ષિક ઉત્સવ ‘Ethos’ ની રંગારંગ ઉજવણી કરાઈ
વિદ્યાર્થીમાં શિસ્ત, સમજણ અને સંસ્કારનો ત્રિવેણી સંગમ હોઈ તે જ શિક્ષણ : ડૉ. મતાઉદ્દીન ચિશ્તી
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : પાલેજ – વલણ માર્ગ પર આવેલાં મોટામિયાં માંગરોલની ગાદીનાં વર્તમાન ગાદીપતિ હિઝ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી, પૂર્વ એડિશનલ સેક્રેટરી ગુજરાત સરકાર તથા પૂર્વ એડીશનલ સેક્રેટરી મુખ્યમંત્રી હર્ષ બ્રહ્મભટ્ટ, ઉત્તરાધિકારી ડૉ. મતાઉદ્દીન ચિશ્તી તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહી વિવિધ કૃતિ નિહાળી બાળકોને પ્રોત્સાહિત કર્યા.HHMC એજયુકેશનલ કેમ્પસમાં આવેલ HHFMC પબ્લિક સ્કૂલ (હિઝ હોલીનેસ ફરીદુદ્દીન મોટામિયાં ચિશ્તી પબ્લિક સ્કૂલ, CBSE)નાં પ્રથમ વાર્ષિકોત્સવ ‘ઇથોસ’નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનાં પ્રારંભે ઉપસ્થિત અતિથિઓનું પુષ્પ ગચ્છ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત શાળાનાં નાના કલાકારો દ્વારા સુંદર સ્વાગતગીતની રજૂઆત સાથે થઈ હતી. શાળાનાં આચાર્ય ત્રિશા જોહને પ્રથમ વર્ષનો વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો.
ગાદીનાં ઉત્તરાધિકારી અને સંસ્થાનાં સ્થાપક, યુવા વિચારક ડૉ. મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તીએ પોતાનાં સંબોધનમાં જણાવ્યું હતું કે આપણે શિક્ષણને માત્ર પરિણામ સાથે જોડી દીધું છે પણ એવું ન હોઈ શકે, પ્રક્રિયાનું અનુસરણ પણ અગત્યની ભૂમિકા ભજવે છે. શું બરાબર નથી તેનો ખ્યાલ હોવો જોઈએ એ માટે પ્રયત્નશીલ રહેવું જરૂરી છે. બાળક શાળા છોડે ત્યારબાદ તેનામાં શિસ્ત, સમજણ અને સંસ્કારનો ત્રિવેણી સંગમ હોય તેનું નામ શિક્ષણ છે. આપણે બધાં એકવીસમી સદીમાં જીવી રહ્યા છીએ. શિક્ષણ એક સંયુક્ત પ્રયાસ છે, એનાં વડે આપણે આગળ વધી શકીશું.
આ પ્રસંગે ઉપસ્થિત પૂર્વ એડીશનલ સેક્રેટરી (ગુજરાત સરકાર) તથા પૂર્વ એડીશનલ સેક્રેટરી (મુખ્યમંત્રી) હર્ષ બ્રહ્મભટ્ટ દ્રારા વર્ષનાં વિજેતા વિદ્યાર્થીઓને વર્ષ દરમ્યાન હાથ ધરાયેલી પ્રવૃતિઓમાં સિદ્ધિઓ બદલ શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. તેમનાં પોતાનાં વક્તવ્યમાં કાર્યક્રમનાં ભારોભાર વખાણ કર્યા હતાં. તેમણે બાળકોની કૃતિને કાર્યક્રમ તરીકે નહીં જોતાં બાળકોમાં રહેલી કલા પર વિશેષ ભાર મૂક્યો હતો. બાળકોએ ગુજરાતી, પંજાબી, આસામી, રાજસ્થાની, નાટક, નૃત્યકલા રજૂ કર્યા તેની સરાહના કરી હતી.
પૂજા સિંગ, ધ્રૂવિશા જાદવ અને શ્રીમોયી શીનુએ સુંદર મંચ સંચાલન કર્યું હતું. કાર્યક્રમનાં અંતમાં શાળાનાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો અને સૌએ શિક્ષકો અને વિદ્યાર્થીઓની મહેનતને બિરદાવી હતી.