તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ગડત ખાતેથી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જાલમસિંહ વસાવાના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાયો
તાપી જિલ્લાનો એક જ અવાજ “આપણો સંકલ્પ: વિકસિત તાપી, વિકસિત ભારત”
–
મહાનુભાવોના હસ્તે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથને લીલી ઝંડી આપી યાત્રાને પ્રસ્થાન કરાયું
–
વિકસિત ભારત સંકલ્પ યાત્રામા સહભાગી થઇ તાપી જિલ્લાના કાર્યક્રમને સફળ બનાવવા અને તમામ યોજનાનો લાભ લેવા અનુરોધ કરતા -જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જાલમસિંહ વસાવા
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :. તા.૩૦: રાજયના છેવાડાના માનવી સુધી રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની પાત્રતા ધરાવતા તથા નબળા વર્ગના લાભાર્થીઓને લાભ મળી રહે તે માટે રાજય સરકાર દ્વારા પ્રજા કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ તમામ નાગરીકો સુધી પહોંચાડવા અને જાગૃતિ ફેલાવવા જનજાતિય ગૌરવ દિવસ નિમિત્તે સમગ્ર દેશમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાયો છે. જે અન્વયે તાપી જિલ્લામાં ડોલવણ, વાલોડ, અને સોનગઢ તાલુકાના વિવિધ ગામોમાથી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે.
જે અન્વયે આજે ડોલવણ તાલુકાના ગડત ગ્રામપંચાયત ખાતેથી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જાલમસિંહ વસાવાના અધ્યક્ષસ્થાને તાપી જિલ્લામાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ કરાયો હતો. જેમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથને લીલી ઝંડી આપી યાત્રાને પ્રસ્થાન કરાયું હતું. આ વેળાએ ઉપસ્થિત તમામ તાપીવાસીઓએ એક જ અવાજ પ્રસ્થાપિત કરતા “આપણો સંકલ્પ: વિકસિત તાપી, વિકસિત ભારત”ના નારાથી સમગ્ર પંથક ગુંજી ઉઠ્યું હતું.
તાપી જિલ્લાના ગડત ગ્રામપંચાયત ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જાલમસિંહ વસાવાએ સભાને સંબોધતા જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલની આગેવાની હેઠળ વર્તમાન સરકાર છેવાડાના માનવી સુધી લાભો પહોચાડવા કટીબધ્ધ છે. આજથી શરૂ થતી વિકસિત ભારત સંકલ્પ યાત્રા તાપી જિલ્લાના વિવિધ ગામોમાં યોજાનાર છે જેમાં 17 જેટલી યોજના અંગે નાગરિકોને માહિતગાર કરવામાં આવી રહ્યા છે ત્યારે આ યાત્રામા સહભાગી થઇ તાપી જિલ્લાના કાર્યક્રમને સફળ બનાવવા અને તમામ યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
તેમણે કેન્દ્ર અને રાજય સરકારની 17 જેટલી યોજનાઓ જેમાં અન્ન પુર્ણા યોજના, આયુષ્માન ભારત યોજના, કિશાન સન્માન નિધી, ઉજ્જ્વલા યોજના જેવી પ્રજાકલ્યાણની યોજનાઓ અંગે માહિતી આપી તાપી જિલ્લામાં હાલની પરિસ્થિતી તથા યાત્રા દરમિયાન કરવામાં આવનાર કામગીરી અંગે આંકડાકિય માહિતી આપી હતી.
વધુમાં તેમણે રાજ્ય સરકારે આદિવાસી બંધુઓની દરકાર કરી બજેટમાં માતબર રકમની ફાળવણી કરી છે.એમ જણાવી પ્રજાની કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ તમામ નાગરિકો સુધી પહોંચાડવા અને જાગૃતિ ફેલાવવા માટે તાપી જિલ્લા સહિત સમગ્ર દેશમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન થયું છે એમ જણાવ્યું હતું.
અંતે તેમણે ઉમેર્યું હતું કે, વિકસિત ભારતના સંકલ્પ માટે પ્રધાનમંત્રીના સાંનિધ્યમાં આપણે આગળ વધીએ. પ્રધાનમંત્રીશ્રીએ જોયેલા સ્વપ્નને ખરા અર્થમાં સાર્થક કરવા ખભેખભા મિલાવી દેશના વિકાસમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણીએ પ્રાસંગિક સંબોધન કરતા જણાવ્યું હતું કે, વર્તમાન સરકાર માત્ર અને માત્ર લોકો માટે કામ કરી રહી છે. આ આપણા દેશનો સુવર્ણ યુગ છે. તેમણે તમામ અધિકારી કર્મચારીઓ, પદાધિકારીઓ સહિત જાહેર જનતાએ તાપી જિલ્લાના વિકાસનો સંકલ્પ કરવાનો છે એમ કહી વધુમાં ઉમેયું હતુ કે, જ્યા સુધી આપણે પોતે કટીબધ્ધ ન થઇએ ત્યા સુધી આપણા વિસ્તારનો વિકાસ શક્ય નથી એમ વિશેષ ભાર મુક્યો હતો. અંતે તેમણે સમગ્ર રાજ્યમાં તાપી જિલ્લા વહિવટી તંત્રના કામોની ખુબ સરાહના થાય છે એમ જણાવી વહિવટી તંત્રની પ્રસંશા કરી હતી.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહે કાર્યક્રમના અનુરૂપ સ્વાગત પ્રવચન કરી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું મહત્વ અંગે સૌને અવગત કર્યા હતા. તેમણે ખાસ ભાર મુક્યો હતો કે, આ કાર્યક્રમની મુખ્ય બાબત એ છે કે, લાભાર્થીના ઘર સુધી પહોચી સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓથી લાભાન્વિત કરવાનો સરાહનિય પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં સહકાર આપવા સૌને અનુરોધ કર્યો હતો.
નોંધનિય છે કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સશક્ત નેતૃત્વ અને દૂરદર્શી વિઝનથી ઘરનું ઘર કેવી રીતે સમૃદ્ધ બને અને ઘરથી ગામડું કઈ રીતે સમૃદ્ધિ તરફ પ્રયાણ કરે તેવી તમામ યોજના સરકારે અમલમાં મૂકી છેવાડાના લોકો સુધી પહોંચાડી છે. તાપી જિલ્લામાં સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોચાડવાનો શ્રેય તાપી જિલ્લા તંત્રને ફાળે જાય છે. જેઓના સક્રિય પ્રાયાસોથી છેવાડાના નાગરિકો સુધી કલ્યાણકારી યોજનાઓનો લાભ વધુને વધુ મળતો થયો છે.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું ઉદબોધન વર્ચ્યુલી નિહાળ્યું હતું. આ સાથે ‘મેરી કહાની મેરી ઝુબાની’ અંતર્ગત વિવિધ યોજનાના લાભાર્થીઓએ પોતાની સાફલ્યગાથા વર્ણવી હતી. આ ઉપરાંત મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને સાધન સહાય, ચેક તથા કિટ વિતરણ કરી લાભાન્વિત કરવામાં આવ્યા હતા. પોતાના ક્ષેત્રમાં સારી કામગીરી કરનાર મહિલાઓને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગડત અને પાટી ગામોને ‘ઓડીએફ પ્લસ’ જાહેર કરી અભિનંદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ વિકસિત ભારત અંગેની શપથ ગ્રહણ કરી હતી. કાર્યક્રમમાં વિવિધ યોજનાના સ્ટોલ તથા મેડિલક હેલ્થ કેમ્પનું સુદ્રઢ આયોજન જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પ્રાથમિક શાળા ગડતની વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રાર્થના ગીત તથા આશ્રમ શાળા ગડત દ્વારા મનમોહક સ્વાગત ગીત રજુ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખશ્રી, જિલ્લા કલેક્ટરશ્રી ડૉ.વિપિન ગર્ગ, વિવિધ સમિતિઓના સદસ્યો, તાલુકા-જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, ગડત ગ્રામપંચાયતના સરપંચશ્રી, તેમજ સંબધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ તથા ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
0000