વ્યારા ખાતે દશેરા પર્વની ઉજવણી કરાઈ
નવનાથ ધામના પરમ પૂજ્ય શ્રી છોટેદાદાના સાંનિંધ્યમા વ્યારા ખાતે વિશાળ ધર્મક્રાંતિ સભા, શસ્ત્ર પૂજન, રાવણ દહનના કાર્યક્રમ સાથે “મહાચંડિકા સેના” ની રચના પણ કરાઈ :
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા: ૨૫: વિજ્યાદશમી-દશેરાના પાવન પર્વે તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે નવનાથ ધામ-બીલીમોરાના ગાદીપતિ નાથપંથી પરમ પૂજ્ય શ્રી છોટેદાદાની વિશાળ ધર્મક્રાંતિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
વ્યારાના શબરી ધામ ખાતે ભક્તોની ભારે ભીડ વચ્ચે પૂજ્ય શ્રી છોટેદાદાની ૧૪ વર્ષ બાદ વ્યારામાં ફરી પધરામણી થતાં, ભક્તોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. અહીં પાંચ હજારથી પણ વધુ ધર્મપ્રેમી ભાઈ બહેનો આ સભામાં જોડાયા હતા.
કાર્યક્રમના ભાગરૂપે સનાતન ધર્મની પારંપરિક પદ્ધતિથી શ્રી છોટેદાદાના હસ્તે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. આ વેળા તેમણે પોતાના ધારદાર વક્તવ્યમાં શૌર્ય, સામર્થ્ય, અને શક્તિના પૂજનનું મહત્વ સ્પષ્ટ કર્યું હતું. આજના દિવસે ઐતિહાસિક કાર્ય કરતા પરમ પૂજ્ય શ્રી છોટેદાદાએ અહીં વિશેષ ‘નારીશક્તિ સેના’ ની જાહેરાત પણ કરી હતી. આ સંગઠનને “મહાચંડિકા સેના” નામ અપાયું હતું. જેમાં બે હજારથી વધુ મહિલાઓ જોડાઈ હતી.
ભગવા વેશમાં સજ્જ આ મહિલાઓએ “મહાચંડીકા સેના”ના ઝંડા સાથે “જય જય ચંડિકા”ના નારા પણ લગાવ્યા હતા.
આ પ્રસંગે શ્રી છોટેદાદાએ નારીશક્તિના સામર્થ્યનું મહત્વ સમજાવી “મહાચંડિકા સેના” દ્વારા થનારા વિવિધ ધર્મલક્ષી બહુજન હિતાય અને બહુજન સુખાયના કાર્યોની વિગતો આપી હતી.
ધર્મ પરિવર્તન પર પ્રહાર કરતાં તેમણે જણાવ્યું હતું કે, સનાતની હિંદુ જાગે છે એ બતાવવાની જરૂર છે. એ કરશો તો કોઈ આવી પ્રવૃત્તિ નહિ કરી શકે.
કાર્યક્રમના અંતે જય શ્રી રામના નારાથી ગુંજતી શોભાયાત્રા સાથે અધર્મ પર ધર્મના વિજયના પ્રતિકરૂપે રાવણ દહન કરવામાં આવ્યું હતું. અંતે સૌએ સાથે મહાપ્રસાદ પણ ગ્રહણ કર્યું હતું.
–