તાપી જિલ્લા SPCAની બાતમીના આધારે સોનગઢ પોલીસે ગેરકાયદેસર પશુવહન કરતો ટેમ્પો ઝડપી અબોલ પ્રાણીઓનો જીવ બચાવ્યો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૨: તાપી જિલ્લામાંથી પસાર થતા સુરત-ધુલિયા આંતરરાજ્ય ધોરી માર્ગ પરથી પશુઓની ગેરકાયદેસર અન્ય રાજ્યોમાં હેરાફેરી થતી હોવાની છેલ્લા ઘણા સમયથી મળી રહેલી વ્યાપક ફરિયાદોના પગલે, સોનગઢ પોલીસ ઇન્સ્પેકટર દ્વારા તેમના સ્ટાફ સાથે રાત્રી પેટ્રોલિંગ ગોઠવતા એક આઇસર ટેમ્પો નંબર-GJ-26-U-0049 માં પશુઓ ભરીને વ્યારા, માંડળ ટોલનાકા થઇ સોનગઢ તરફ (સોનગઢ જેસીંગપુરા ટેકરા ને.હા.નં.૫૩ ઉપર વ્યારા થી સોનગઢ તરફ આવતા ટ્રેક ઉપર) જેસીંગપુરા ટેકરા પાસે વોચ ગોઠવી હતી.

જેમાં વ્યારા આવી રહેલા આઇસર ટેમ્પોને આંતરી, સાઇડમાં રોકી ટેમ્પામાં શુ ભરેલ છે તે અંગે તપાસ હાથ ધરી હતી. દરમિયાન ટેમ્પોમાં સાત જેટલી ભેસો ભરેલ હોઇ, ટેમ્પો સોનગઢ પોલીસ મથક લઈ જવામાં આવ્યો હતો.

ટેમ્પાના ડ્રાયવરને તેનું નામ ઠામ પુછતાં તેણે પોતાનું નામ જાવીદ રસીદ ફકીર (શાહ), ઉ.વ.૨૮,રહે.વ્યારા, દાદરી ફળીયુ, તા.સોનગઢ, જિ.તાપીનો હોવાનું જણાવ્યું હતું.

આ આઇસર ટેમ્પાની વિગતવાર તપાસ કરતા તેમાં કુલ ભેંસ નંગ-૦૭ ભરેલ હતી. જે આશરે ૪ થી ૫ વર્ષની હતી. આ મુંગા અબોલ પશુ ભેંસો નંગ-૦૭ ને અતિ ક્રૂરતાપુર્વક ખીચો ખીચ ટુંકી દોરી વડે બાંધી રાખવામાં આવી હતી. તેઓને ખાવા માટે કોઇ ઘાસચારો કે પાણીની વ્યવસ્થા કે તેઓના પ્રાથમિક ઉપચાર માટે કોઇ મેડીકલ સાધનોની વ્યવસ્થા પણ રાખી ન હતી.

આ ભેંસોને ક્યાંથી ક્યાં લઈ જવાઇ રહી છે તેમ પુછતા ડ્રાયવર જાવીદ રસીદ ફકીરે (શાહ), આ ભેસો વ્યારા તાલુકાના ભાટપુર ગામે આવેલ તેના ભાઇ રફીક રસીદ ફકીર (શાહ) રહે. વ્યારા દાદરી ફળીયુ, વ્યારાના તબેલામાંથી ભરી આપેલ છે, અને આ ભેસો મહારાષ્ટ્ર રાજ્યના ધુલીયા ખાતે માર્કેટમાં લઈ જતા હોવાનું માલુમ પડ્યું હતું.

ટેમ્પો ચાલક પાસે રાજય બહાર પશુઓના પરિવહન માટે કોઇ સક્ષમ અધિકારીના પ્રમાણપત્ર નહી હોવાનું જણાતા, આ ટેમ્પામાં ભરેલ ભેંસો નંગ-૦૭ ની કિ.રૂ.૧૦,૦૦૦/-લેખે કુલ ભેંસ નંગ-૦૭ ની કિ.રૂ.૭૦,૦૦૦/- તથા આઇસર ટેમ્પો નં-GJ-26-J-0049 ની કિ.રૂ.૫,૦૦,૦૦૦/- તપાસ અર્થે કબ્જે કરવામાં આવ્યો હતો.

પકડાયેલ ચાલક ગેરકાયદેસ૨ રીતે પશુની હેરાફેરી કરતા પકડાતા તેના વિરૂધ્ધ પશુ ધાતકીપણાનો કાયદો ૧૯૬૦ની કલમ-૧ ૧(૧)ની પેટા કલમ– ડી,ઇ,એફ,એચ તથા ગુજરાત આવશ્યક ચીજવસ્તું અને ઢોર નિયંત્રણ અધિનિયમ-૨૦૦૫ની કલમ- ૪,૯(૧) તથા ગુજરાત રાજ્ય પશુ હેરાફેરી નિયંત્રણ-૧૯૭૫ ની કલમ – ૦૨ તથા સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ ૨૦૧૫ (૧૧ મો સુધારો) ના રૂલ્સ નં.૧૨૫ (ઇ) મુજબ, સોનગઢ પોલીસે કાયદેસર ફરિયાદ દાખલ કરવાની સાથે ભેંસો ભરી મોકલનાર વ્યારાના રફીક રસીદ ફકીર (શાહ)ને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છે કે, તાપી જિલ્લા કલેકટરશ્રીના વડપણ હેઠળની SPCA (સોસાયટી ફોર પ્રિવેંશન ઓફ ક્રુઆલિટી ટુ એનિમલ) ‘પશુ અત્યાચાર નિવારણ સમિતિ’ની ગત મિટિંગમાં પણ આ મુદ્દે ચર્ચા હાથ ધરી, આ અંગે કડક કાર્યવાહી થાય, એ દિશામાં કામગીરી કરવાની જિલ્લા કલેકટરશ્રીની સુચનાના આધારે જિલ્લા પશુપાલન અધિકારી શ્રી બ્રિજેશ શાહ તથા તાપી જિલ્લા SPCA ના ઓથોરાઈઝડ પર્સન શ્રી અલ્પેશ દવે દ્વારા બાતમીદારોનું નેટવર્ક સક્રિય કરાયું હતું. જેમાં ગુરુવારે રાત્રે ગેરકાયદેસર રીતે પશુઓનું વહન કરી કેટલાક વાહનો મહારાષ્ટ્ર જવાની બાતમી મળવા પામી હતી. જેના આધારે તાપી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાહુલ પટેલને આ અંગે જાણ કરતા, જીવદયા બાબતે સંવેદના દાખવી તાત્કાલિક સોનગઢ પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી યોગેશ શિરસાટને સૂચના આપવામાં આવી હતી.

૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *