સુરતની પાલ ગામ સ્થિત શાળામાં પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપતા ટ્રી ગણેશાનું સ્થાપન
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત શ્રી ખુશાલભાઈ વનમાળીભાઈ પાલવાળા ક્રમાંક 319 માં છેલ્લા છ વર્ષથી પર્યાવરણ જાગૃતિનાં એક ભાગરૂપે શાળા પરિસરમાં આવેલ રાષ્ટ્રીય વૃક્ષ વડનાં થડની અંદર ગણેશજીનું સ્થાપન કરવામાં આવે છે. આ ગણેશજીની વિશેષતા એ છે કે એમનું વિસર્જન અને સ્થાપન ખૂબ જ સરળતાથી થાય છે એનાં માટે કોઈ કુદરતી સંપત્તિનો વ્યય થતો નથી કે નથી કોઈ જાતનું પ્રદૂષણ ફેલાતું.
આજરોજ ભારત વિકાસ પરિષદ મેઈન સીટીનાં હોદ્દેદારો અને સભ્યો શાળા પરિસરનાં ગણેશજીનાં દર્શન કરવા આવ્યા હતાં. પરિષદનાં પ્રમુખ વિપુલભાઈ જરીવાલા, મંત્રી શ્રીમતી મનીષા પટેલ સાથે સર્વશ્રી હેમાબેન સોલંકી, પારુલબેન સોસા, ભાવિની ચૌહાણ, શ્રીનિવાસ સૂત્રાવે તથા કિરીટ પંડ્યાએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓ દ્વારા કરાયેલ આરતી શણગાર અને રંગોળી સ્પર્ધાનું મૂલ્યાંકન કરી ઈનામ સ્વરૂપે શિલ્ડ એનાયત કર્યા હતાં.
શાળાનાં આચાર્ય પ્રકાશભાઈ પરમારે વિવિધ ઉત્સવોની ઉજવણીનો સાચો હેતુ સ્પષ્ટ કર્યો હતો અને વિદ્યાર્થીઓમાં મૂલ્યલક્ષી શિક્ષણ આપવા માટે શાળામાં ચાલતી આવી વિશેષ પ્રવૃત્તિઓની માહિતી આપી હતી. ડેકોરેશન કરનાર શાળાનાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન શાળાનાં શિક્ષિકા મીતાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન હેતલબેન લાવરીએ કર્યું હતું.