વ્યારાના રૂપવાડા ગામે નિર્માણાધિન પંચાયત ઘર મનરેગા શાખામાં ચાલતી લાલીયાવાડીને લીધે વિવાદોમાં ઘેરાયું !!
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારા તાલુકામાં આવેલ રૂપવાડા ગામ ખાતે આવેલ જુનું પંચાયત ઘર હાલ જર્જરિત થઈ ગયેલ હોવાથી તેમજ અન્ય સરકારી રેકર્ડ તથા ડોક્યુમેન્ટસની જાળવણી કરવા માટે પણ પૂરતી જગ્યાનો અભાવ હોવાથી ગ્રામ પંચાયત ઘરને અદ્યતન બનાવવા નવા બાંધકામ માટે મંજૂરીની મોહર મારવામાં આવી હતી.
જે તે સમયે રૂપવાડા પંચાયત ઘર માટે ડિઝાઇન મંજૂર કર્યા મુજબનું બાંધકામ નાના માપ -સાઈઝની જૂની ડિઝાઇનમા કરાયું હતું. હાલ જર્જરિત થયેલ ગ્રામ પંચાયત ઘરના સ્થાને નવું પંચાયત ઘર બનાવવાની જરૂરીયાત જણાતા નવું પંચાયત ઘર અદ્યતન સુવિધાસભર બનાવવા માટે સરકાર દ્વારા નવા માપ-સાઈઝની ડિઝાઇન મુજબનો પ્લાન મંજુર કરવામા આવ્યો હતો.
હાલ રૂપવાડા ગ્રામ પંચાયત ઘરનું નિર્માણ કાર્ય પ્રગતિ હેઠળ છે, પંચાયત ઘર બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવેલ માલ સામાનની ગુણવત્તા ખૂબ જ નબળી હોવાનું સ્થાનિકો દ્વારા જણાવાતા ગામના સરપંચ દ્વારા પંચાયત ઘરનું નિર્માણ કાર્ય અટકાવી દેવા તાલુકા કક્ષાએ મૌખિક રજૂઆત કરી ધ્યાન દોરવામા આવ્યું હતું પરંતુ હંમેશની જેમ તેમની રજૂઆતો તાલુકા કક્ષાના તંત્રના બહેરા કાને અથડાઈને પરત ફરી હતી.
રૂપવાડા ગ્રામ પંચાયત ઘરના નિર્માણ કાર્યની સ્થળ મુલાકાત લેતા પ્રથમ દ્ષ્ટીએ સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે, રૂપવાડા ગ્રામ પંચાયત ઘરનાં બાંધકામની ડિઝાઇન તાપી જિલ્લામાં આવેલ અન્ય ગ્રામ પંચાયત ઘરની ડિઝાઇન જેવી નથી પરંતુ કંઈક અલગ જ છે. આ અંગે રૂપવાડા ગામના સરપંચનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, પંચાયત ઘરના નવા મકાન બાંધકામ માટે અગાઉ વારંવાર એજન્સી તથા મનરેગા વિભાગના કર્મચારીને મૌખિક સૂચના કરેલ છે. તેમ છતાં ગ્રામ પંચાયત કચેરીના બાંધકામમાં કોઈપણ પ્રકારે ધ્યાન ન આપતા ગ્રામ પંચાયત ભવનનું કામ અટકાવી દેવા કહી દીધું છે.
નિયમોનુસાર મુજબની ડિઝાઇન પ્રમાણે પંચાયત ઘરનું બાંધકામ થવું જોઈએ તેના બદલે ભળતી ડિઝાઇન મુજબનું બાંધકામ કાર્ય લીંટર લેવલ સુધી પહોંચી જતું હોય ત્યારે અનેક પ્રશ્નો ઊભા થાય છે. શું બાંધકામ કરનાર એજન્સી કામનો અનુભવ ધરાવતી નથી ? એજન્સી ભળતી ડિઝાઇન બાબતે અજાણ હતી કે કેમ ? શું મનરેગા શાખાના ટેકનીકલ આસિસ્ટન્ટ પોતાની મરજી મુજબનું પંચાયત ઘર બનાવવા માંગે છે ?
સમગ્ર વિવાદમાં મનરેગા શાખાના ટેકનિકલ આસિસ્ટન્ટ પોતાના કામ પ્રત્યે ગેરજવાબદારી ભર્યુ વર્તન દાખવી ચાલુ કામગીરી સમયે સ્થળ વિઝીટ ન કરી બેદરકારી દાખવેલ હોવાની ચર્ચાએ જોર પકડી લેતા આખું પ્રકરણ બહાર આવી જવાના ડરથી એ.પી.ઓ.એ વિવાદને દબાવવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. રૂપવાડા ગામે ગ્રામ પંચાયત ઘર બનાવવા માટેની કામગીરીમાં બેદરકારી દાખવવા બદલ મનરેગા શાખાના ટેકનીકલ આસિસ્ટન્ટની ભૂમિકા વિવાદોમાં આવતા મનરેગા શાખામાં ચાલતી લાલિયાવાડી ફરી એકવાર પ્રકાશમાં આવવા પામી છે.
સમગ્ર પ્રકરણમાં બેદરકારી દાખવા બદલ શું જવાબદાર કસૂરવારો સામે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે કે પછી સબ સલામતની બાંગ પોકારવામાં આવશે ?