સી.આર.સી. કરંજ સંલગ્ન પ્રાથમિક શાળાઓમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : ઓલપાડ તાલુકાનાં કાંઠા વિસ્તાર સ્થિત કલસ્ટર રિસોર્સ સેન્ટર, કરંજ સંલગ્ન જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત કરંજ, પારડીઝાંખરી, નઘોઈ, જીણોદ, કમરોલી, મીંઢી, મીરજાપોર, ભગવા તથા મોર ગામની પ્રાથમિક શાળાઓમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
તમામ શાળાઓમાં નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકીનાં ગગનભેદી નાદ સાથે મટકી ફોડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે બાળકોએ રાધા અને કૃષ્ણનો પોશાક પરિધાન કરી ઉત્સવને વધુ આનંદિત કર્યો હતો. અત્રે નોંધનીય છે કે આજરોજ મંદરોઇ પ્રાથમિક શાળાનાં આચાર્ય અને ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી નગીનભાઈ પટેલની પૌત્રીનો જોગાનુજોગ જન્મદિવસ હોઇ શાળામાં તે દીકરીનાં હસ્તે મટકી ફોડવામાં આવી હતી. આ પ્રસંગે નગીનભાઈ તરફથી મળેલ કેક, ચોકલેટ તથા પાઉંભાજીની મિજબાની શાળાનાં તમામ બાળકોએ ભરપેટ માણી હતી.
આ પ્રસંગે કરંજનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર વિજય પટેલે ભગવાન કૃષ્ણનાં જીવન ઝરમરની ગાથા વર્ણવી હતી. તેમણે ઉમેર્યુ હતુ કે ભારતીય સંસ્કૃતિમાં ધાર્મિક તહેવારોનું વિશેષ મહત્વ દર્શાવાયુ છે. સાથે જ તહેવારોમાં ભુલાતી જતી પરંપરા સંસ્કૃતિનો વારસો જાળવવા માટે પડકારરૂપ બની રહી છે. શ્રાવણ માસ શરૂ થાય એટલે ઉત્સવોની મોસમ જામે છે તેમાં પણ કૃષ્ણ જન્મની ઉજવણીનો અનોખો માહોલ હોય છે. આજનાં યુગની આધુનિક ભક્તિમાં લોકોનાં માનસપટ પરથી નરસિંહ તેમજ મીરાની દાસત્વ અને પ્રેમલક્ષણા ભક્તિ ભુલાઈ ગઈ છે ત્યારે તેને અનુસરવા તેમણે સૌને અનુરોધ કર્યો હતો.
ઉજવણીનાં ભાગરૂપે તમામ શાળાઓમાં બાળકોને મીઠાઈ તથા ચોકલેટ વહેચવામાં આવી હતી. આ પ્રસંગે શાળા વ્યવસ્થાપન સમિતિનાં સભ્યો તથા વાલીજનોએ કાર્યક્રમને માણ્યો હતો. ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં મહિલા ઉપપ્રમુખ અને કરંજનાં કેન્દ્રાચાર્યા એવાં શ્રીમતી જાગૃતિબેન પટેલે આ પવિત્ર પર્વની સૌને શુભેચ્છા પાઠવી હતી.