વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોએ ‘વિશ્વ આદિવાસી દિવસ’નો રંગ જમાવ્યો
મુખ્યમંત્રીશ્રીના સ્વાગત માટે હેલીપેડથી લઇ સભાસ્થળ સુધી ખાસ આદિવાસી નૃત્ય રજુ કરાયું
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૯: ગુજરાત રાજ્યના આદિવાસીઓ હોળી સહિતના તહેવારો, અને વિવિધ પ્રસંગોએ દેવી દેવતાને રીઝવવા અને સંસ્કૃતિના ભાગરૂપે પોતાની ઢબે આદિવાસી નૃત્ય કરતા હોય છે. આદિવાસી નૃત્ય મનમોહક હોય છે. આ મનમોહક નૃત્યએ આજના વિશ્વ આદિવાસી દિવસના સમગ્ર કાર્યક્રમને ઉર્જાવાન બનાવ્યો હતો.
તાપી જિલ્લો પોતાની અનોખી બાબતો માટે સમગ્ર રાજ્યમાં પ્રખ્યાત છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલને આવકારવા જિલ્લા તંત્ર દ્વારા ખાસ આદિવાસી નૃત્યોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા હેલીપેડ ઉપર આગમન થી લઇ સભા સ્થળ સુધી અંદાજિત ૨૦૦ મીટરના રસ્તાને પસાર કરે ત્યા સુધી, આદિવાસી નૃત્યુની રમઝટ જમાવી મુખ્યમંત્રીશ્રીને સભાસ્થળ સુધી પહોચાડવામાં આવ્યા હતા.
આ ઉપરાંત વિવિધ મંડળીઓ જેમાં ચૌધરી નૃત્ય ધામોદલા આદિવાસી કલા સાંસ્કૃતિક મંડળ-વાલોડ-તાપી દ્વારા, ડાંગી નૃત્ય-પ્રગતિ યુવક મંડળ-ધવલીદોડ-ડાંગ દ્વારા, વસાવા નૃત્ય આદિવાસી મેવાસી વિકાસ મંડળ-નર્મદા દ્વારા, અને ગામીત નૃત્ય આદિવાસી સર્વાંગી વિકાસ સંઘ-વાઝરડા, સોનગઢ-તાપી દ્વારા રજુ કરવામાં આવ્યું હતું.
સાથે સાથે તાપી જિલ્લાની વિવિધ કોલેજ અને શાળાઓ દ્વારા પ્રાર્થના ગીત, સ્વાગત ગીત અને લોક નૃત્ય રજુ કરવામાં આવ્યું હતું.
આ તમામ કાર્યક્રમોમાં ઢોલ નગારાના નાદે સમગ્ર માહોલ ખુશનુમા બનાવવાની સાથે વિશ્વ આદિવાસી દિવસનો ભારે રંગ જમાવ્યો હતો. કાર્યક્રમના સ્થળે વિવિધ ડોમમાં બિરાજમાન યજમાન સ્થાનિક નાગરિકો પણ આદિવાસી સંગીતના તાલે ઝુમી ઉઠયા હતા.
000000