વાપીની દેગામ મુખ્ય પ્રાથમિક શાળામાં વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી કરવામાં આવી
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ. આજે માનવ ચાંદ ઉપર પહોંચી ગયો છે પણ તે પ્રકૃતિ અને કુદરતનાં ખોળે જ્યારે પણ રજા મળે ત્યારે આરામની પળો શોધે છે અને ત્યાં તેને જવું પડે છે. આધુનિક યુગમાં જ્યાં આજનો માનવી પ્રકૃતિનાં ખોળે વિસામો લેવા જાય છે તે છે આદિવાસી. આગળ જઈએ તો આદિમાનવ એટલે પૃથ્વી ઉપર જીવનસૃષ્ટિની ઉત્પત્તિથી સર્જાયેલા બીજા કોઈ નહિ પણ આપણે જ છીએ. કાળક્રમે વિકસતાં જતાં આજે આપણે આદિમાનવ, આદિવાસી, ગ્રામજન કે શહેરીજન બની ગયા છીએ. પણ દેશમાં હજી 10 કરોડથી વધુ એવાં લોકો છે જેને પોતાની પ્રકૃતિ, કુદરત, નિસર્ગ, નદી, પહાડ, ઝરણાં, નદી, જમીન અને જંગલને છોડ્યા નથી. તેઓ આજે પણ કુદરત વચ્ચે નૈસર્ગિક જીવન જીવે છે. તેઓ કુદરતનાં સમીપ અને પ્રકૃતિ વચ્ચે જ રહે છે.
ગુજરાતમાં અંબાજીથી લઈ આહવા સુધી આદિવાસી પટ્ટી આવેલી છે. આ જિલ્લામાં તેઓની પરંપરા, પહેરવેશ, ઉત્સવ, પ્રાકૃતિક ઈલાજ, માન્યતા, સંસ્કૃતિ, વાદ્યો, મેળા, રીતિ રિવાજ આજે પણ આપણા માટે એક પહેલી અને આશ્ચર્ય જ છે. વિશ્વમાં 195 દેશોમાંથી 90 દેશોમાં 5000 જેટલાં આદિવાસીઓનાં સમુદાય વસે છે. આદિવાસીઓની આવી અનેકવિધ હકીકતોથી ભાવિ પેઢી માહિતગાર થાય એ અનુસંધાને વલસાડ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત વાપી તાલુકાની દેગામ મુખ્ય પ્રાથમિક શાળામાં વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે બિરસા મુંડાનાં જીવનમાંથી પ્રેરણા લેવા બાળકોએ વેશભૂષા, સાંસ્કૃતિક નૃત્ય અને ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો. જય આદિવાસીનાં નારાથી સમગ્ર શાળા પરિસર ગૂંજી ઉઠ્યું હતું.