બોર્ડની પરીક્ષામાં વ્યારાની બે શાળાઓમા સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને ચોરી કરાવી હોવાના આક્ષેપો : કેમેરા ફૂટેજ દ્વારા તપાસની માંગ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : બોર્ડ દ્વારા ધો.૧૦ની પરિક્ષા લેવાઈ હતી જેમા વ્યારાની બે શાળાઓમા સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને ચોરી કરાવી હોવાના આક્ષેપો સાથે કેમેરા ફૂટેજ દ્વારા તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરવામા આવી છે.
વર્ષ ૨૦૨૨-૨૩માં ગુ.મા.શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૦ની પરિક્ષા લેવામાં આવી હતી. જેમાં ગણિત વિષયમાં વ્યારાની એક પ્રતિષ્ઠિત શાળાનાં મહિલા સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને ૧૦ માર્કસની ચોરી કરાવવામાં આવી હતી.મહિલા સ્ટાફ દ્વારા એવી સૂચના આપવામાં આવી હતી કે ઉપર જોશો નહિ અને ખાલી જગ્યા, જોડકાં, ખરા—ખોટા વિગેરે ૧૦ માર્કસનાં જવાબો લખાવવામાં આવ્યા હતા. વ્યારાની જ અન્ય એક શાળાનાં પુરુષ સ્ટાફ દ્વારા ગુજરાતી વિષયમાં દરવાજા પાસે ઉભા રહી જવાબો લખાવ્યા હતા. વિદ્યાર્થીઓને નજીકમાં જઈ શાળા સ્ટાફ કે પાણી આપતા કર્મચારીઓએ જવાબો લખાવ્યા હતા. એવા આક્ષેપો સાથે ઉપરોકત તમામ બાબતોની કેમેરા ફૂટેજ દ્વારા તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા માઁ શિવદૂતી સાયન્સ સ્કૂલના ચેરમેન દ્વારા તાપી જિલ્લા શિક્ષણાધિકારીને ફરિયાદ કરવામા આવી છે.