ગાંધીનગર ખાતે યોજાનાર રાષ્ટ્રીય અધિવેશન સંદર્ભે ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી બેઠક યોજાઈ
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ ખાતે આજરોજ ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલની અધ્યક્ષતામાં મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોર દ્વારા તાલુકા સંઘનાં હોદ્દેદારો તથા કારોબારી સભ્યોની આગામી મે માસમાં ગાંધીનગર મુકામે યોજાનાર અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘનાં રાષ્ટ્રીય અધિવેશન તથા પૂજ્ય મોરારીબાપુની રામકથામાં ભાગ લેવાનાં સુચારુ આયોજન બાબતે એક અગત્યની કારોબારી બેઠક બોલાવવામાં આવી હતી.
આ પ્રસંગે તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલે પોતાનાં પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે સમગ્ર ભારતમાં પ્રાથમિક શિક્ષકોનાં પ્રશ્નોને વાચા આપવા તથા શિક્ષણની અનેકવિધ પ્રવૃત્તિઓને વેગ આપવા અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા દર બે થી ત્રણ વર્ષે રાષ્ટ્રીય અધિવેશન બોલાવવામાં આવે છે. ત્યારે આવું રાષ્ટ્રીય અધિવેશન આ વખતે આપણા રાજ્યમાં પ્રથમ વખત મળી રહ્યું છે ત્યારે સમગ્ર ગુજરાત રાજ્યનાં પ્રાથમિક શિક્ષકો માટે તે આનંદ અને ગૌરવની બાબત છે. આ તકે તેમણે આ બંને વિશેષ પ્રસંગો માટે સ્વૈચ્છિક ફાળો આપનારા તાલુકાનાં તમામ પ્રાથમિક શિક્ષક ભાઈ-બહેનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
બેઠકની શરૂઆત સર્વધર્મ પ્રાર્થનાથી કરવામાં આવી હતી. પ્રારંભે સંઘનાં મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોરે સૌને આવકારી બેઠકનાં એજન્ડાનું વાંચન કર્યું હતું. સદર બેઠકમાં નિયત એજન્ડા સહિત શિક્ષક સંઘનાં રાષ્ટ્રીય અધિવેશનમાં ઉપસ્થિત રહેવા તથા શિક્ષક અને શિક્ષણનાં હિત માટે પરમ પૂજ્ય મોરારીબાપુનાં મુખેથી પ્રવાહિત થનાર રામકથામાં નિયત તારીખ મુજબ ભાગ લેવા બાબતે વિશેષ ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી.
આ પ્રસંગે સર્વશ્રી પ્રાથમિક શિક્ષક સંઘનાં કાર્યવાહક પ્રમુખ ગિરીશ પટેલ, ઉપપ્રમુખ ચિરાગ પટેલ, બ્રિજેશ પટેલ તથા રાજેશ પટેલ, મહિલા ઉપપ્રમુખ શ્રીમતી જાગૃતિ પટેલ ઉપરાંત તાલુકા સલાહકાર સમિતિનાં કન્વીનર મહેશ પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.