નિઝર-કુકરમુંડા ખાતે ગેરકાયદેસર ધમધમતી રેતીની લીઝો સરકારી તિજોરીને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડે છે !!

Contact News Publisher

(મુકેશ પાડવી દ્વારા, વેલદા-નિઝર) :  એક જાગૃત નાગરિક દ્વારા આજ રોજ નિઝર તાલુકાના મામલતદારને એક અરજી કરી ગેરકાયદેસર લીઝો બંધ કરાવવા રજૂઆત કરી છે.

આ વિસ્તારમા ગેરકાયદેસર લીઝો/પોતાનો હદવિસ્તાર છોડીને ખુબજ મોટા પ્રમાણમાં રેતી ખનન કરવામાં આવે છે જે બંધ કરવામાં આવે એવી માંગ કરવામાં આવેલ છે. નિઝર/કુકરમુંડા તાલુકાના બાલદા ગામની તાપી નદી કિનારે સંજય શાહ, દિનેશ મેટ્રો, સંદીપ, વિજય વગેરેઓ ગેરકાયદેસર લીઝ (નાવડીઓ) ચલાવી રહ્યાની રાવ ઉઠી રહી છે. બાલદા ગામમાં સરકારશ્રી તરફથી કોઈ લિઝ મંજુર કરવામાં આવેલ નથી, તેમ છતા કોના ઇશારાથી રેતી ખનન થઈ રહ્યુ છે ? GPRS રીડિંગ દ્વારા વિડિઓ અને ફોટો લેવામાં આવેલ છે, જેમા આ GPRS રીડિંગમાં સ્પષ્ટ દેખાય રહ્યું છે કે પોતાનો હદવિસ્તાર છોડીને રેતી ખનન થઈ રહ્યુ છે. GPRS દ્વારા ફોટો/વિડિઓ લેવામાં આવેલ છે, સ્થાનિક અધિકારી અને તાપી જિલ્લાના ખાન-ખનીજ વિભાગના અધિકારીઓ પણ એને નકારી નહીં શકે ? વ્યાવલ, જુના આશ્રવા, જુના પીપલાસ, જુના ગોરશા, સતોલા, વ્યાવલ, ઉબદ, ચોરગામ (વેલ્દા) વગેરે જગ્યાઓ ઉપર લિઝ ધારકો પોતાના હદવિસ્તાર છોડીને ગેરકાયદેસર રેતી ચોરી કરી રહયા છે. જૂની આંતૂર્લી ગામમાં નયનાબેન પ્રવિણભાઈ વસાવાની લિઝ મંજુર કરવામાં આવેલ છે પરંતુ જેટલી હદમા લિઝ મંજુર કરવામાં આવેલ છે તે હદ વિસ્તાર છોડીને ગામની તાપી નદી તરફથી ગામની સિમા તરફ રેતી ચોરી કરવામાં આવી રહી છે.

આડેધડ ખનનથી ભવિષ્યમાં તાપી નદીમાં મહાપુર આવશે તો ગામમાં પાણી ફરી વળશે અને લોકોના ઘરો પડી જશે એવો ભય લોકોને લાગી રહ્યો છે. ગામમાં પાણી ફરી વળશે એની જવાબદારી કોણ લેશે ? સ્થાનિક અધિકારી અને તાપી ભૂસ્તર વિભાગના અધિકારીઓ લેશે ખરાં? હાલમાં તાપી નદીનું પાણી ઘટી જવાથી સાફ સાફ દેખાઈ રહયું છે કે કેટલીક લિઝોના હોલ્ડર ગેરકાયદેસર રેતી ખનન કરી રહ્યા છે. ત્યારે સ્થાનિક અધિકારી /તાપી ભૂસ્તર વિભાગના અધિકારીઓ કુંભકર્ણની ઉંઘમાં કેમ ઉંઘી ગયા છે ? એવો પ્રશ્ન લોકોમા ચર્ચાઇ રહ્યો છે. ચિંચોદા ગામમા નદીના કિનારે લિઝ હોલ્ડરના GPRS રીડિંગથી સ્પષ્ટ થાય છે કે,  હદવિસ્તારથી બહાર (ગેરકાયદેસર) રેતી ચોરી કરવામાં આવી રહી છે. કોટલી ગામમાં જેટલી પણ લિઝો છે તે પણ પોતાના હદવિસ્તાર છોડીને ગેરકાયદેસર રેતી ચોરી કરે છે. જુના પીપલાસમાં પણ હદવિસ્તાર છોડીને ગેરકાયદેસર રેતી ખનન થાય છે.

નિઝર/કુકરમુંડામાં જ્યાં જુઓ ત્યાંથી રેતી ચોરી થતી હોવાનો ગણગણાટ સાંભળવા મળે છે ત્યારે સ્થાનિક અધિકારીઓ /તાપી જિલ્લાના ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ આ બાબતે શુ ધ્યાન આપે છે ? તેવો પ્રશ્ન પ્રજામાં ચર્ચાઈ રહ્યો છે. તાપી નદી કિનારે આવેલા ગામડાઓમાં હાલ મોટેભાગે રેતી ખનન થઈ રહયુ છે ત્યારે ઘણા રેતી ચોરો વગર પાસ-પરમટી (રોયલ્ટી વિના) રેતી ચોરી કરી કરોડો રૂપિયોનો સરકારી તિજોરીને ચૂનો ચોપડી રહયા હોવાના ચર્ચાની એરણે છે. કેટલાક સ્લીથળે લીઝ મંજુર કરવામાં આવેલ નથી અને મોટેભાગની લિઝો પોતાન હદવિસ્તાર બહાર ચલાવીને રેતી ચોરી કરી રહયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આજથી બે મહિનામાં તાપી નદીમાં પાણી ઘટવાથી લિઝો ક્યાં આવેલ છે અને ક્યાં ચલાવે છે તે GPRS રીડિંગ દ્વારા ખબર પડે છે. પરંતુ સ્થાનિક અધિકારીઓને અને તાપી જિલ્લાના ભૂસ્તર વિભાગના અધિકારીઓને જાણે કોઈ જાણ ન હોય એવુ લાગે છે. કોઈ વાર તાપી જિલ્લાના ખાણ-ખનીજ વિભાગનું ચેકીંગ આવે ત્યારે પોતાના સાધનો સ્થળ ઉપરથી હટાવી લેવાય છે અને નાવડીઓ પોત પોતાના સ્થળે (જગ્યા) પર જતી રહે છે. જેના પરથી એવું પણ સ્પષ્ટ સમજી શકાય છે કે તાપી જિલ્લાની ખાણ-ખનીજ વિભાગના કર્મચારી /અધિકારીઓની આ રેતી ચોરી કરનારાઓ સાથે સાંઠ ગાંઠ હોવી જોઈએ ? જેથી ચેકીંગ આવતા પહેલા જ રેતી ચોરો એલર્ટ થઈ જાય છે. ત્યારે આવા કર્મચારી/અધિકારીઓની બેદરકારીને લીધે સરકારી તિજોરીને લાખ્ખો નહીં પરંતુ કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહયું છે. ત્યારે જિલ્લા કલેકટર આ બાબતે યોગ્ય તપાસ કરાવડાવે તો મોટા પ્રમાણમાં કૌભાંડો બહાર આવે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other