તાપી જિલ્લાની કુલ ૩૪૪૬ ગંગા સ્વરૂપા મહિલાઓની અરજી મંજૂર
રાજ્યની વિધવા અને નિરાધાર મહિલાઓનો આધાર બનતી ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના
*****
રાજ્ય સરકાર દ્વારા વિધવા લાભાર્થીને માસિક રૂ. ૧૨૫૦ની સહાય
****
માહિતી બ્યુરો, તાપી તા.11 મહિલા સશક્તિકરણ અને મહિલાઓની સુરક્ષા માટે ગુજરાત સરકારે છેલ્લા કેટલાક સમયમાં મહત્વપૂર્ણ કામગીરી કરી છે. રાજ્ય સરકાર દ્વારા મહિલાઓના ઉત્કર્ષ માટે વ્હાલી દિકરી યોજના, સખી-વન સ્ટોપ સેન્ટર, મહિલા કલ્યાણ કેન્દ્ર અને ૧૮૧ મહિલા હેલ્પલાઈન જેવી વિવિધ મહિલાલક્ષી વિશેષ પહેલો હાથ ધરવામાં આવી છે. આવી જ એક વિશેષ પહેલ છે – ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના.
તાપી જિલ્લામાં ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનો લાભ મેળવવામાં માટે વર્ષ ૨૦૨૨ દરમિયાન કુલ ૩૪૮૯ અરજીઓ મળી હોવાની વિગતો આજે વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવી હતી, જે પૈકીની ૩૪૪૬ અરજીઓને મંજૂર કરી દરેક લાભાર્થીને માસિક રૂ. ૧૨૫૦ની સહાય ચૂકવવામાં આવી રહી છે. વિધાનસભામાં રજૂ કરેલી તાલુકાવાર વિગતોમાં દર્શાવ્યા અનુસાર વ્યારા તાલુકામાં મળેલી અરજીઓ પૈકી ૬૨૧, ડોલવણમાં ૩૩૪, વાલોડમાં ૪૭૦, સોનગઢમાં ૧૨૨૪, ઉચ્છલમાં ૩૧૧, નિઝરમાં ૨૬૭ અને કુકરમુંડા તાલુકામાં ૨૧૯ અરજીઓને મંજૂરી આપવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યની નિરાધાર વિધવા બહેનોનું પુનઃસ્થાપન થઇ શકે અને સમાજમાં સન્માનભેર જીવન જીવી શકે તે માટે રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વિધવા બહેનોને આર્થિક મદદરૂપ થવાના ઉદ્દેશ સાથે ગંગા સ્વરૂપા યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા વિધવા લાભાર્થીને દર મહીને DBT- ડાયરેક્ટ બેંક ટ્રાન્સફરના માધ્યમથી રૂ. ૧૨૫૦ની સહાય ચૂકવવામાં આવે છે, આ ઉપરાંત લાભાર્થીના આકસ્મિક મૃત્યુના કિસ્સામાં ગુજરાત સામૂહિક જૂથ સહાય અકસ્માત વિમા યોજના અંતર્ગત તેમના વારસદારને રૂપિયા એક લાખની રકમ પણ આપવામાં આવે છે.
*****