જિલ્લા કલેક્ટરસુશ્રી ભાર્ગવી દવેના અધ્યક્ષસ્થાને G-20 સમિટ હેઠળ વિવિધ અભિયાનો, કાર્યક્રમોના સુચારૂ આયોજન અંગે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઇ
માહિતી બ્યુરો, તાપી તા.૦૧: ગુજરાત રાજ્ય સહિત સમગ્ર દેશમાં G-20 હેઠળ વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. ત્યારે તાપી જિલ્લામાં G-20 સમિટ હેઠળ વિવિધ અભિયાનો, કાર્યક્રમોના સુચારૂ આયોજન અંગે આજે જિલ્લા કલેક્ટરસુશ્રી ભાર્ગવી દવેના અધ્યક્ષસ્થાને ઉચ્ચ અધિકારીઓ સાથે સેવાસદનના સભાખંડ ખાતે બેઠક યોજાઇ હતી.
જેમાં અધ્યક્ષસ્થાનેથી કલેક્ટરશ્રી દવેએ વિવિધ વિભાગોને G-20 સમિટ હેઠળ કરવામાં આવેલ આયોજન અંગે સમિક્ષા કરી હતી. આ સાથે વિભાગો દ્વારા સમગ્ર G-20 સમિટ દરમિયાન કરવામાં આવનાર વિશેષ કાર્યક્રમો અંગે એક્ટીવીટી કેલેન્ડર તૈયાર કરવા માર્ગદર્શન આપ્યુ હતું. અંતે તાપી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા વિશેષ આયોજનના ભાગરૂપે હાથ ધરનાર “હોળી ઉત્સવ” અંગે જરૂરી ચર્ચા વિચારણા કરી આ ઉત્સવ દરમિયાન કરવામાં આવનાર કાર્યક્રમો અંગે જરૂરી બાબતો અંગે સુચનો કરવામાં આવ્યા હતા.
નોંધનિય છે કે, ભારતને તા.૦૧ ડિસેમ્બર,૨૦૨૨ થી ૩૦ નવેમ્બર-૨૦૨૩ સુધી G-૨૦ની અધ્યક્ષતા પ્રાપ્ત થઈ છે. લોકશાહી અને આંતરરાષ્ટ્રીય સહકાર માટે ભારતનું G-૨૦ અધ્યક્ષપદ દેશના ઈતિહાસમાં ઐતિહાસિક અને સીમાચિહ્નરૂપ ઘટના છે. વિશ્વના ભલા માટે ભારતની ભૂમિકા વિશ્વના દેશો સ્વીકારે છે. ભારત વિશ્વની પ્રમુખ સમસ્યાઓના વ્યવહારૂ ઉકેલો શોધીને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માંગે છે. આ અભિગમમાં જ ‘વસુધૈવ કુટુંબકમ’- સમગ્ર વિશ્વ જ એક પરિવાર છે’ એવી ભાવના મૂર્તિમંત થાય છે.
ભારતના અધ્યક્ષપદે ૧ વર્ષ દરમિયાન ૩૨ ક્ષેત્રો અને વિષયો અંતર્ગત ૨૦૦ બેઠકો યોજાઈ રહી છે. સ્ટાર્ટઅપ ૨૦ એંગેજમેન્ટ ગ્રુપ પ્રથમ વખત ભારતના G૨૦ પ્રેસિડેન્સી હેઠળ સ્થાપિત કરવામાં આવશે. ગુજરાત G-૨૦ની શ્રેણીબદ્ધ વિચાર-વિમર્શ બેઠકોનું આયોજન પણ કરશે. ગુજરાતમાં યોજાનાર વિશેષ ૧૫ કાર્યક્રમો પૈકી ગત જાન્યુઆરી માસમાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે G-20 ની સૌ પ્રથમ ઈનસેપ્શન મીટિંગ યોજાઈ હતી.
૦૦૦૦૦૦૦૦૦