ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે મંત્રી શ્રી કુંવરજીભાઇ હળપતિની નિયુક્તિ
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : : આહવા: તા: ૨૭: ૧૫મી ગુજરાત વિધાનસભાના ગઠન બાદ નવરચિત મંત્રી મંડળમા રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગ, ગ્રામ વિકાસ વિભાગ સહિત શ્રમ અને રોજગાર વિભાગની જવાબદારી સંભાળતા, દક્ષિણ ગુજરાતના સુરત ગ્રામ્ય (માંડવી)ના મંત્રી શ્રી કુંવરજીભાઇ હળપતિને, રાજ્ય સરકારે ડાંગ અને ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે નિયુક્ત કર્યા છે.
તાજેતરમા રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જારી કરાયેલા એક આદેશ અનુસાર, મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળની રાજ્ય સરકારના સોળ જેટલા મંત્રીશ્રીઓને જુદા જુદા જિલ્લાઓના પ્રભારી તરીકેની વિશેષ જવાબદારી સોંપવામા આવી છે. જે મુજબ રાજ્યના છેવાડે આવેલા અને ૯૮ ટકા આદિવાસી વસ્તી ધરાવતા ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે શ્રી કુંવરજીભાઇ હળપતિની નિયુક્તિ કરવામા આવી છે. ઉલ્લેખનિય છે કે, મંત્રીશ્રી ડાંગ ઉપરાંત ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રી તરીકેનો પણ કાર્યભાર સંભાળશે.
એક ટેલિફોનિક મુલાકાતમા મંત્રીશ્રીએ ડાંગના વિકાસને વધુ વેગવાન બનાવવા સાથે, અહી વન પર્યાવરણની જાળવણી સાથે પ્રવાસન વિકાસ, સ્થાનિક રોજગારી, પાયકીય સુવિધાઓનો વિકાસ, સુશાસન, જેવા મુદ્દે વિશેષ લક્ષ કેન્દ્રિત કરાશે, તેમ જણાવ્યુ હતુ.
–