વ્યારા ખાતે ગાંધી જયંતિની ભવ્ય ઉજવણી : ગાંધીજીના આદર્શો જીવંત રાખી નવી પેઢી સુધી લઈ જવા અનુરોધ કરતા કલેકટરશ્રી
(માહિતી બ્યુરો વ્યારા-તાપી) તા.૦૨- તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે કલેકટરશ્રી એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષ સ્થાને વ્યારા નગરપાલિકા પ્રમુખ શ્રીમતિ સેજલબેન રાણા સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં ૧૫૩ મી ગાંધી જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. નશાબંધી અને આબકારી વિભાગ,ગુરૂકૃપા સેવામય ટ્રસ્ટ અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આ કાર્યક્રમમાં નશાબંધી સપ્તાહ તા.૦૨-૧૦-૨૨ થી તા.૦૮-૧૦-૨૨ ઉજવણીના ભાગરૂપે મહાનુભાવોના હસ્તે રથને પ્રસ્થાન કરાવાયું હતું. તેમજ વન્ય જીવોના સંરક્ષણ માટે જાગૃતિ અભિયાનને લોકો સુધી લઈ જવા ભાર મુકાયો હતો.
આપણા દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને સુતરની આંટી પહેરાવી શતશત વંદન કરતા કલેકટરશ્રી એચ.કે.વઢવાણિયાએ જણાવ્યું હતું કે ગાંધીજીના જન્મ સ્થળ પોરબંદર સહિત સમગ્ર દેશમાં પૂજ્ય મહાત્માજીની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આપણે ગૌરવશાળી છીએ. ગાંધીજીના સત્ય,અહિંસા, અને આત્મનિર્ભરતા જેવા આદર્શોને જીવંત રાખીએ અને ભાવી પેઢી સુધી લઈ જઈએ. ગાંધીજીનું મુખ્ય સૂચન હતું કે નશાથી દુર રહીએ ત્યારે આજની પેઢી તમામ પ્રકારના નશાથી દુર રહી તાપી જિલ્લાને નશાથી મુક્ત કરવા કલેકટરશ્રી વઢવાણિયાએ અનુરોધ કર્યો હતો. સાથે સાથે આપણાં વન્ય જીવોના સંરક્ષણ માટે જાગૃતિ લાવી કુદરતની ઈકો સિસ્ટમને સમતોલ કરીએ. પશુપંખીઓ તથા વન્ય જીવોની ભાગીદારી ખૂબ મહત્વની છે.
કારોબારી અધ્યક્ષ કુલીન પ્રધાને જણાવ્યું હતું કે આપણો દેશ દેવોની,અર્પણની અને તર્પણની ભૂમિ છે. આપણે સૌએ ગાંધીજીના ચિંધ્યા માર્ગે ચાલવાનું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપણા દેશને વિશ્વગુરૂ તરફ લઈ જવાનું આહવાન કર્યું છે.
ગાંધી જયંતિની ઉજવણી નિમિત્તે કેયુરભાઈ કાચવાલા, ગીર ફાઉન્ડેશન સભ્ય યોગેશભાઈ પટેલ,રાજુભાઈ રાણા,પરેશભાઈ,સુરેખાબહેન,હેમંતભાઈ સહિત મહાનુભાવોએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને કીટ અર્પણ કરી હતી. ઉપસ્થિત તમામ નાગરિકોએ નશાબંધી માટે પ્રતિજ્ઞા લઈ રાષ્ટ્રને મજબૂત બનાવવા કટીબધ્ધતા વ્યક્ત કરી હતી.
૦૦૦૦૦