તાપી જિલ્લાનું ગૌરવ : 36મી નેશનલ ગેઇમ્સમાં તાપી જિલ્લાના 19 ખેલાડીઓ
11 બહેનો અને 08 ભાઇઓ તાપી જિલ્લાનું ગૌરવ બની નેશનલ ગેઇમ્સમાં ભાગ લેશે
…………….
(જિલ્લા માહિતી બ્યુરો, તાપી).28: પ્રથમ વખત ગુજરાત રાજ્ય નેશનલ ગેઇમ્સમાં યજમાનની ભૂમિકા ભજવી રહ્યું છે ત્યારે તાપી જિલ્લા માટે ગર્વની બાબત છે કે આપણા જિલ્લામાંથી 19 ખેલાડીઓ નેશનલ ગેઇમ્સમાં ભાગ લઇ રહ્યા છે.
રમત ગમત એક માધ્યમ છે જે આખા દેશને એકજુથ કરે છે. ખેલકુદમાં કોઇ ધર્મ, જાત-પાત, ભેદભાવ, નાના-મોટા આવતા નથી. દરેક ખેલાડી સમાન હોય છે. કોઇ પણ રમતનો ખેલાડી એક ખેલાડી તરીકે જ ઓળખાય છે.
ગુજરાત સરકાર તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા વિવિધ જિલ્લાઓમાં યોજાનાર ૩૬મી નેશનલ ગેમ્સમાં વિવિધ રમતોમાં તાપી ખો-ખોની રમતમાં 08 બહેનો અને 05 ભાઇઓ, કબડ્ડીમાં 1 બહેન અને 2 ભાઇઓ અને એથલેટીક્સમાં 2 બહેનો અને 01 ભાઇ મળી કૂલ-19 જેટલા રમત વિરો તાપી જિલ્લાની શોભા વધારી રહ્યા છે. જેમાં ખો ખો રમતની રમતમાં ચૌધરી ભૂમી, ગામીત અર્પિતા, ચૌધરી પ્રિયા આર.,ચૌધરી પ્રિયા એસ.,ગામીત વિભૂતી, ભિલાર ઓપીના, વસાવા ભાવના, ચૌધરી મોનીકા, બરડે ઋતીશભાઇ, ભાટ ગોવીંદ, વેગડ વિજય, બારૈયા રાજપાલ, ગામીત પ્રકાશનો સમાવેશ થાય છે. એથ્લેટીક્સમાં મયુરી ગામીત, રાઠવા પાયલ, પટેલ સેમિસ અને કબડ્ડીમાં ડાબી મનીષા, ચૌધરી દિગવિજય અને ગામીત રોનકનો સમાવેશ થયો છે.
આ ખેલાડીઓ તદ્દન સામાન્ય પરિવારમાંથી આવે છે. કોઇ બોરખડી, કહેર, તો કોઇ મહુડી ગામના વતની છે. આ તમામ ખેલાડીઓ હાલના તથા ભૂતપૂર્વ ડી એલ એસ એસના ખેલાડીઓ છે. તેમજ હાલમાં પણ શ્રી ર. ફ. દાબુ કેળવણી મંડળ અંતર્ગત ચાલતી શાળાઓ તથા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, વ્યારા ખાતે અભ્યાસ કરે છે.
ભારત સરકારની રમતગમત નીતિને સુસંગત રહીને ખેલકુદ પ્રવૃતિઓને ઉત્તેજન આપી ખેલાડીઓ સહિત ગુજરાતનો વિકાસ સાધવાનું લક્ષ્ય રમત ગમત વિભાગનું છે. જેને તાપી જિલ્લાના ખેલાડીઓ બખુબી સિધ્ધ કરી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તાર સહીત તમામ નાગરિકોને વિભિન્ન રમતગમતોમાં ભાગ લેવાની તકો સાંપડે અને તેમાં રસ જાગે તે માટે વર્તમાન સરકાર દ્વારા અનેકવિધ સ્પર્ધાઓના આયોજન કરી રાજ્યના ખુણે-ખુણાથી ખેલવિરોને પ્રોત્સાહિત કરી રહી છે. ગુજરાત રાજ્યમાં પ્રથમવાર યોજાનાર 36મી નેશનલ ગેમ્સ-2022નુ આયોજન તા.12-10-2022 સુધી થનાર છે. ત્યારે રમત ગમત ક્ષેત્રે તાપી જિલ્લાના ખેલાડીઓ ઉચ્ચ પ્રદર્શન કરશે એવી તાપી જિલ્લાતંત્ર અને રમત ગમત વિભાગ સહિત ખેલાડીઓના કોચ અને તમામ તાપીવાસીઓને આશા છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, નેશનલ ગેઇમ્સ હેઠળ હાલ કબડ્ડીની સ્પર્ધા ચાલુ છે તથા ખો-ખો અને એથલેટીક્સની રમતો આજે તા.29 સપ્ટેમ્બરથી શરૂ થનાર છે.
-વૈશાલી પરમાર
00000000000000