વ્યારાનાં વતની રાજુભાઈ રાઠોડના સુપુત્રી પલકબેનનાં કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન બક્ષી, માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : હિંદુ મોચી સમાજની ૨૭ વર્ષીય પલક તેજસ ચાંપાનેરીના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી પોતાના સ્વજનના કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન બક્ષી, માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી.

ઘર નં. ૧૫૮૭, નંદનવન પાર્કની સામે, નાનકવાડા, હાલર રોડ, વલસાડ મુકામે રહેતી અને ધરમપુર માં આવેલ મોર્ડન સરકારી શાળામાં પ્રવાસી શિક્ષિકા તરીકે ફરજ બજાવતી પલકને તા. ૧૧ સપ્ટેમ્બરના રોજ રાત્રે ૧૧:૩૦ કલાકે માથામાં દુઃખાવો અને ઉલ્ટીઓ થતા તેને તાત્કાલિક વલસાડમાં આવેલ કસ્તુરબા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. નિદાન માટે CT સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થયું હતું. વધુ સારવાર માટે પરિવારજનોએ તેને ૧૨ સપ્ટેમ્બરના રોજ સુરતમાં આવેલ કિરણ હોસ્પિટલમાં ન્યુરોસર્જન ડૉ.ભૌમિક ઠાકોર, ડો.ધીરેન હાડાની સારવાર હેઠળ દાખલ કરી. નિદાન માટે CT એન્જ્યો કરાવતા નાના મગજની નસ ફાટી જવાને કારણે મગજમાં લોહીનો ગઠ્ઠો હોવાનું તેમજ મગજમાં સોજો હોવાનું નિદાન થયું હતું. તા. ૧૩ સપ્ટેમ્બરના રોજ ન્યુરોસર્જન ડૉ.ભૌમિક ઠાકોરે કોઇલીંગ કરી લોહીનો પ્રવાહ બંધ કર્યો હતો.

તા.૨૦ સપ્ટેમ્બરના રોજ ન્યુરોસર્જન ડૉ.ભૌમિક ઠાકોર, ન્યુરોફીજીશિયન ડૉ.હીના ફળદુ, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ. દર્શન ત્રિવેદી અને મેડિકલ ડાયરેક્ટર ડૉ.મેહુલ પંચાલે પલકને બ્રેનડેડ જાહેર કરી.

મેડિકલ ડાયરેક્ટર ડૉ.મેહુલ પંચાલે ડોનેટ લાઈફના સ્થાપક-પ્રમુખ શ્રી નિલેશ માંડલેવાલાનો સંપર્ક કરી પલકના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી.

ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી ડૉ. મેહુલ પંચાલ સાથે રહી પલકના પતિ તેજસ અને માતા પન્નાબેન રાજેન્દ્રભાઈ રાઠોડ તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનની સમગ્ર પ્રક્રિયા અને તેનું મહત્વ સમજાવ્યુ.

પલકના પતિ તેજસે જણાવ્યું કે અમે વારંવાર વર્તમાનપત્રોમાં અંગદાનના સમાચારો વાંચતા હતા ત્યારે મારી પત્ની પલક પણ કહેતી હતી કે આ એક ઈશ્વરીય કાર્ય છે, દરેક વ્યક્તિએ પોતાના બ્રેઈનડેડ સ્વજનના અંગોનું દાન કરવું જ જોઈએ જેથી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન મળી શકે. મારી પત્ની પલક બ્રેઈનડેડ છે અને તેનું મૃત્યુ નિશ્વિત જ છે, શરીર બળીને રાખ જ થઇ જવાનું છે ત્યારે તેના અંગોનું દાન કરાવીને વધુ ને વધુ ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવ જીવન આપો. પલકના મમ્મી પન્નાબેન BAPS સંસ્થા સાથે જોડાયેલા છે તેઓએ પણ જણાવ્યું કે આ એક ઈશ્વરીય કાર્ય છે. અંગદાન જીવનદાન છે. પલકનો પતિ તેજસ સેલવાસમાં આવેલ ઇપ્કા લેબોરેટરીમા ફાર્માસ્યુટિકલ એન્જીનીયર તરીકે ફરજ બજાવે છે.

પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા નિલેશ માંડલેવાલાએ State Organ and Tissue Transplant Organization (SOTTO) નો સંપર્ક કરી કિડની અને લિવર દાનમાટે જણાવ્યું.

SOTTO દ્વારા કિડની અને લિવર સુરતની કિરણ હોસ્પીટલને ફાળવવામાં આવ્યા. કિરણ હોસ્પીટલના ડૉ.કલ્પેશ ગોહિલ, ડૉ.જીગ્નેશ ઘેવરીયા, ડો.પ્રમોદ પટેલ, ડો.મુકેશ આહીર અને તેમની ટીમે કિડનીનું દાન, લિવરનું દાન ડો. ધનેશ ધનાણી, ડો.ગૌરવ ચૌબલ અને તેમની ટીમે, ચક્ષુઓનું દાન ડૉ.સંકીત શાહે સ્વીકાર્યું.

દાનમાં મેળવવામાં આવેલી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી ૪૩ વર્ષીય વ્યક્તિમાં, બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી ૩૫ વર્ષીય વ્યક્તિમાં, લિવરનું ટ્રાન્સપ્લાન્ટ વડોદરાના રહેવાસી ૬૫ વર્ષીય વ્યક્તિમાં સુરતની કિરણ હોસ્પીટલમાં કરવામાં આવ્યું છે. દાનમાં મેળવવામાં આવેલી ચક્ષુઓનું ટ્રાન્સપ્લાન્ટ બે જરૂરિયાતમંદ દર્દીમાં સુરતની કિરણ હોસ્પિટલમાં ડૉ. સંકિત શાહ દ્વારા કરવામાં આવશે.

ડોનેટ લાઈફ તેમજ સમગ્ર સમાજ સ્વ.પલક તેજસ ચાંપાનેરી અને તેમના સમગ્ર પરિવારને તેમણે કરેલા અંગદાનના નિર્ણય માટે સલામ કરે છે…વંદન કરે છે…નમન કરે છે…

અંગદાન કરાવવાની સમગ્ર પ્રક્રિયા ડોનેટ લાઈફના સ્થાપક-પ્રમુખ નિલેશ માંડલેવાલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી, જેમાં પલકના પતિ તેજસ, સસરા ઈન્દ્રવદનભાઈ, સાસુ લીલાબેન, માતા પન્નાબેન, પિતા રાજેન્દ્રભાઈ તેમજ પરિવારના અન્ય સભ્યો, ન્યુરોસર્જન ડૉ.ભૌમિક ઠાકોર, ન્યુરોફીજીશિયન ડૉ.હીના ફળદુ, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ. દર્શન ત્રિવેદી, મેડિકલ ડાયરેક્ટર ડૉ.મેહુલ પંચાલ, ટ્રાન્સપ્લાન્ટ કૉઓર્ડીનેટર ડૉ.અલ્પા પટેલ, આસીસ્ટન્ટ ટ્રાન્સપ્લાન્ટ કૉઓર્ડીનેટર સંજય ટાંચક, કિરણ હોસ્પીટલના સંચાલકો અને સ્ટાફ, ડોનેટ લાઈફના પ્રોગ્રામ ઓફિસર સુભાષ જોધાણીનો સહકાર સાંપડ્યો હતો.

સુરત અને દક્ષિણ ગુજરાત માંથી ડોનેટ લાઈફ દ્વારા કુલ ૧૦૨૮ અંગો અને ટીસ્યુઓનું દાન કરાવવામાં આવ્યું છે જેમાં ૪૩૨ કિડની, ૧૮૪ લિવર, ૮ પેન્ક્રીઆસ, ૪૦ હૃદય, ૨૬ ફેફસાં, ૪ હાથ અને ૩૩૪ ચક્ષુઓના દાનથી કુલ ૯૪૧ વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.

અંગદાન…જીવનદાન…

ડોનેટ લાઈફની વધુ માહિતી મેળવવા માટે નીચેની લીંક ઉપર ક્લિક કરો-https://www.donatelife.org.in/

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *