ભારત-પાક. મેચ રદ કરો: ગિરિરાજ બાદ પંજાબના મંત્રી પરગટની માંગ

પ્રતીકાત્મક તસ્વીર

Contact News Publisher

કાશ્મીર ‘કિલિંગ્સ’ ને પગલે બંને દેશ વચ્ચે બે વર્ષ બાદ રમાનાર મેચ પર છવાયું સંકટ

કાશ્મીરમાં એક તરફ પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓ નિર્દોષ બિન કાશ્મીરીઓની હત્યા કરી રહયા છે. આતંકીઓ સાથેના એન્કાઉન્ટરમાં ભારતીય સુરક્ષા દળના જવાનો શહાદત પણ વહોરી રહયા છે ત્યારે બીજી તરફ પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવાની વાત ઘણા લોકોને ગળે ઉતરતી નથી. જેમાં સરકારના મંત્રીઓ પણ સામેલ છે. જેમ કે, કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ થવી જોઈએ નહીં. તેના પર ફરીથી વિચાર કરવાની જરૂર છે. એવી રીતે પંજાબના મંત્રી પરગટસિંઘે પણ પાક સાથે ક્રિકેટ ન રમવાની વાત ઉચ્ચારી હતી. સાથોસાથ ભારતના વિવિધ ક્ષેત્રોમાંથી પણ પાકિસ્તાન સાથે ક્રિકેટ વ્યવહાર ન રાખવા પ્રચંડ માંગ ઉઠી રહી છે.
કેન્દ્રિય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે પાકિસ્તાનનો આતંકવાદી ચહેરો દુનિયા સામે આવી ગયો છે. તેનો અંજામ પણ પાકિસ્તાને ભોગવવો પડશે. કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે રવિવારે જોધપુરમાં કેન્દ્રીય જળ શક્તિમંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતના ઘરે શોક સભામાં સામેલ થયા બાદ મીડિયા સાથે વાતચીત દરમિયાન આ વાત કરી હતી.
વિશેષમાં, ગિરિરાજ સિંહે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં થઈ રહેલા આતંકી હુમલાને જોતા આવનારા દિવસોમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ પર એકવાર ફરીથી વિચાર કરવાની જરૂર છે. સંબંધો હાલ સારા નથી. ગિરિરાજ સિંહે આ દરમિયાન કોંગ્રેસ ઉપર પણ આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે દેશમાં કોંગ્રેસ ખોટી રાજનીતિ કરી રહી છે. રાજસ્થાનમાં વાલ્મીકિ સમાજના લોકો પર અત્યાચાર થઈ રહ્યા છે. મહિલાઓ સાથે બળાત્કાર થઈ રહ્યો છે. કાશ્મીરમાં હિન્દુઓને ટાર્ગેટ કરીને મારવામાં આવી રહ્યા છે. આ મુદ્દાઓ પર કઈ ન બોલી લખીમપુર ખીરી જઈને રાજનીતિ કરી રહ્યા છે. જમ્મુ અને કાશ્મીરમાં હાલમાં જ આતંકીઓ દ્વારા એક પાણીપુરી વેચનારાને નિશાન બનાવવામાં આવ્યો હતો. જેમાં વ્યક્તિનું મોત થયું. બિહારના બાંકાના રહીશ આ મૃતકના પિતાએ માગણી કરી છે કે ટી-20 વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાનની જે મેચ થવાની છે તે રદ થવી જોઈએ.
પંજાબ સરકારમાં મંત્રી પરગટ સિંહ તરફથી પણ આવી માગણી કરાઈ છે. પરગટ સિંહે કહ્યું કે આ મેચ થવી જોઈએ નહીં. કારણ કે બોર્ડર પર તણાવપૂર્ણ હાલાત છે. તેમણે કહ્યું કે હિન્દુસ્તાન-પાકિસ્તાન તણાવના દૌરમાંથી પસાર થઈ રહ્યા છે. અત્રે જણાવવાનું કે જમ્મુ અને કાશ્મીરમાં પાકિસ્તાનની કાયરતાપૂર્ણ હરકતના કારણે ભારતના નવ સૈનિકો ગત એક અઠવાડિયામાં શહીદ થયા. પાકિસ્તાન તરફથી સતત આતંકીઓ ભારતમાં ઘૂસણખોરી કરવાની કોશિશ કરી રહ્યા છે. આવામાં સતત સરહદે અથડામણ થઈ રહી છે. આતંકીઓ દ્વારા નાગરિકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.
કાશ્મીર ખીણમાં આતંકીઓ તરફથી નાગરિકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે તેના પર ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ રવિવારે કહ્યું કે અમે નિર્દોષ નાગરિકોના દરેક લોહીના એક એક ટીપાનો બદલો લઈશું. સિન્હાએ આતંકીઓ અને તેમના હમદર્દોનો ખાતમો કરીને પોતાના લોકોના લોહીના એક એક ટીપાનો બદલો લેવાનો સંકલ્પ પણ લીધો. સિન્હાએ કહ્યું કે જમ્મુ અને કાશ્મીરની શાંતિ અને સામાજિક-આર્થિક પ્રગતિ અને લોકોના વ્યક્તિગત વિકાસમાં વિધ્ન નાખવાના પ્રયત્નો થાય છે. ઉપરાજ્યપાલે પોતાના માસિક રેડિયો કાર્યક્રમ આવામ કી આવાઝમાં આ વાત કરી.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *