ખેડૂતોનું રેલ રોકો આંદોલન: ઉત્તર ભારતમાં ટ્રેનોની અવરજવરને અસર
રાષ્ટ્રીય સુરક્ષા કાયદાનો ઉપયોગ કરવા મોદી સરકારની ચીમકી: કેટલીક ટ્રેનો રદ, ડાયવર્ટ કરાઇ
સંયુક્ત કિસાન મોરચા (જઊંખ) એ જણાવ્યું હતું કે લખીમપુર ખીરીમાં ખેડૂતોની હત્યાના મામલે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીને બરતરફ કરવા અને તેમની ધરપકડ કરવાની માંગણી સાથે આંદોલન ચાલી રહ્યું છે. પહેલેથી જ જાહેર કરેલા કાર્યક્રમ મુજબ 18 ઓક્ટોબરે ભારતમાં રેલ સેવા ખોરવાશે. તેમણે એમ પણ કહ્યું કે રેલ રોકો આંદોલન શાંતિપૂર્ણ રીતે, રેલવેની સંપત્તિને નુકસાન પહોંચાડ્યા વગર કરવામાં આવશે. સંયુક્ત કિસાન મોરચાએ તેના તમામ ઘટકોને માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવાનું જણાવ્યુ છે.
ગઇકાલે ખેડૂતોના સંગઠનોએ રેલ રોકો આંદોલનને સફળ બનાવવા તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ દરમિયાન, રસ્તાને અવરોધવામાં આવશે નહીં, ફક્ત ટ્રેનને રોકવાનું કહેવામાં આવ્યું છે. ભારતીય કિસાન યુનિયનના પ્રદેશ અધ્યક્ષ રતન માનએ કહ્યું કે આ માટે તમામ જિલ્લાઓમાં આંદોલનકારી ખેડૂત આગેવાનોને વિવિધ પ્રકારની ફરજ સોપવામાં આવી છે. સાથે જ રાકેશ બેંસે કહ્યું કે રેલ રોકો આંદોલન માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. સંયુક્ત કિસાન મોરચા સંકલન સમિતિના સભ્ય બલબીર રાજેવાલે ગઇકાલે જણાવ્યું હતું કે 3 ઓક્ટોબરે લખીમપુર ખીરી હત્યાકાંડ બાદ તરત જ મોરચાએ વિરોધ કરવા માટે અનેક કાર્યક્રમોની જાહેરાત કરી હતી.
સંયુક્ત કિસાન મોરચા, કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીને કેન્દ્ર સરકારમાં મંત્રી પરિષદમાંથી બરતરફ કરીને ધરપકડ કરવાની માંગણી કરી રહ્યું છે. કારણ કે, અજય મિશ્રા કેન્દ્રમાં ગૃહપ્રધાન હોવાથી તેમના આરોપી પૂત્ર આશિષ મિશ્રા સામે યોગ્ય ન્યાયીક કાર્યવાહી થવા અંગે શંકા રહેલી છે.