કુકરમુંડાનાં ઝુમકટી ગામમાં શાળાના વિધાર્થીઓને પ્લાસ્ટિકનાં ચોખા અપાયા : રજૂઆત કરવા છતાં તંત્ર આળસ ખંખેરતુ નથી !
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : કુકરમુંડા તાલુકાના ઝુમકટી ગામમાં પ્રાથમિક શાળાના વિધાર્થીઓને જે અનાજ વિતરણ કરવામાં આવેલ છે તે સસ્તા અનાજની દુકાનોમાં ભેળસેળવાળા ચોખા આપવામાં આવી રહયા છે. વિધાર્થીઓ મધ્યાહન ભોજન યોજના અંતર્ગત ઘરે રાંધીને ખાઈ શકે તે માટે સરકારશ્રી દ્વારા વિધાર્થીઓને ચોખા આપવવામાં આવે છે. પરંતુ ચોખાની સાથે ઘણા દાણા પ્લાસ્ટિક જેવા નીકળે છે. જેને લઈને શઁકા સાથે વિધાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા હોવાની રાવો વધી રહી છે.
કુકરમુંડા તાલુકાના ઝુમકટી ગામના પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિધાર્થીના પિતા: અનિલભાઈ કરમસિંગભાઈ વસાવા દ્વારા જણાવવામાં આવેલ છે કે, સસ્તા અનાજની દુકાનમાં જે શાળાના વિધાર્થીને આપવામાં આવતા અનાજમાં પ્લાસ્ટિકના ચોખા નીકળી રહયા છે. અને આ ચોખા ઘરે રાંધવામાં આવતા અમુક પ્લાસ્ટિકની જેમ તરે છે. ખાઈએ તો પ્લાસ્ટિક ચાવતા હોય તેવું લાગે છે. સ્થાનિક તંત્રને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી. છતાં પણ સ્થાનિક તંત્ર દ્વારા નિરાકરણ લાવવામાં આવેલ નથી.
સસ્તા અનાજની દુકાનોમાં અનાજ વિતરણ કરવામાં આવે ત્યારે અનાજની કેમ ચકાસણી કરવામાં આવતી નથી ? આ એક મોટો પ્રશ્ન સ્થાનિક તંત્ર ઉપર ઉઠવા પામ્યો છે. પ્લાસ્ટિકના ચોખા ખાવાથી છોકરાઓ બીમાર પડશે તો એનો જવાબદાર કોની ? શું સ્થાનિક તંત્ર જવાબદારી લેશે ખરું ? આ બાબતે ઉચ્ચ ક્ક્ષાએથી તપાસ થવી જોઈએ તેવી માંગ નાગરિકો દ્વારા ઉઠી રહ્યી છે. હાલમાં જોવાનું રહયું કે સ્થાનિક તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવે છે કે પછી સ્થાનિક તંત્ર હાથ પર હાથ ધરીને બેસી રહેશે ઍ આવનાર સમયમાં ખબર પડશે.