સુરત : બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ આયોજીત ધોરણ-3 અને 4નાં ભાષા શિક્ષકોની બે દિવસીય તાલીમ સંપન્ન
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 માં અપેક્ષિત એવાં 21મી સદીનાં કૌશલ્યો કેળવાય એ માટેની અનેકવિધ પ્રવૃત્તિઓ ધોરણ-3 અને 4 નાં ગુજરાતી ભાષાનાં પાઠ્યપુસ્તકમાં આપવામાં આવી છે. આવનારા સમય માટે વિદ્યાર્થીઓમાં જરુરી ચિંતનક્ષમતા, તાર્કિકતા અને વિવેચનાત્મકતા કેળવાય એ માટે આ પાઠ્યપુસ્તકોમાં આપવામાં આવેલી સામગ્રી નિયત રીતે ભણાવાય એ અનિવાર્ય છે. આ પુસ્તકોનું શિક્ષણકાર્ય કરતાં કરતાં શિક્ષકને શીખવવાનો તેમજ શીખવાનો એમ બંને પ્રકારનો આનંદ મળે છે. શિક્ષણનાં આવા ઉભયલક્ષી અભિગમને ચરિતાર્થ કરવાનાં શુભ હેતુસર ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓમાં ધોરણ-3 અને 4 નાં ભાષા શિક્ષકોની બે દિવસીય ભાષા તાલીમનું આયોજન બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ દ્વારા કરવામાં આવ્યુ હતું.
અસ્નાબાદ પ્રાથમિક શાળા, માસમા પ્રાથમિક શાળા તથા રાજનગર પ્રાથમિક શાળા એમ ત્રણ સ્થળોએ યોજાયેલ આ તાલીમ વર્ગમાં તાલુકાનાં 11 ક્લસ્ટરનાં કુલ 125 શિક્ષક ભાઈ-બહેનોએ સહર્ષ ભાગ લીધો હતો. સદર તાલીમ વર્ગમાં નિયુક્ત તજજ્ઞો દ્વારા અધ્યયન નિષ્પત્તિઓ, એકમનાં વિશિષ્ટ શીર્ષક, મુખરવાચન, શ્રુતલેખન, સ્વતંત્રલેખન, મૂલ્યશિક્ષણ, પ્રવૃત્તિઓનું વૈવિધ્ય, અર્થગ્રહણ માટેની વૈવિધ્યસભર પ્રવૃત્તિઓ, કલાત્મક ચિત્રો જેવાં વિવિધ મુદ્દાઓ ઉપર તબક્કાવાર સવિસ્તર છણાવટ કરવામાં આવી હતી. તદુપરાંત તાલીમાર્થીઓને બાયસેગ દ્વારા ઓન ઍર તાલીમ સંબંધિત માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતું.
તાલીમનાં પ્રથમ દિવસે તાલીમાર્થીઓની પ્રિ-ટેસ્ટ તથા બીજા દિવસે તાલીમનાં અંતે પોસ્ટ ટેસ્ટ લેવામાં આવી હતી. અંતિમ ચરણમાં તાલીમાર્થીઓએ પોતાનાં પ્રતિભાવો રજૂ કર્યા હતાં. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.