ભરૂચ નગરપાલિકાના વોર્ડ નં. ૭, ૧૦ અને ૧૧નો સેવાસેતુનો કાર્યક્રમ યોજાયો

Contact News Publisher

(ભાવેશ મુલાણી દ્વારા, અંકલેશ્વર) : રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલની ઝડપ વધે અને સરકારશ્રીની યોજનાઓનો લાભ અને સહાય અંગેની અરજીઓનો સ્થળ પર જ ઉકેલ માટે ભરૂચ નગરપાલિકાના વોર્ડ નં.૭, ૧૦ અને ૧૧ માટેનો સેવા સેતુ કાર્યક્રમ આજરોજ ચિંગસપુરા, રાણા પાંચની વાડી, ભરૂચ ખાતે નગરપાલિકાના પ્રમુખ સુરભીબેન તમાકુવાલાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ચીફ ઓફિસર સંજયભાઈ સોની સહિત નગરપાલિકાના હોદ્દેદારો આગેવાન પદાધિકારીઓ, લીડ બેન્કના મેનેજર સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે નગરપાલિકામાં વિવિધ વિભાગોમાં છ જેટલા યુવાનોને એપ્રેન્ટિસ તરીકેના નિમણૂંક પત્રો મહાનુભાવોના હસ્તે એનાયત કરાયા હતા.
કાર્યક્રમનું દિપ પ્રગટાવી અધ્યક્ષસ્થાનેથી નગરપાલિકાના પ્રમુખ સુરભીબેન તમાકુવાલાએ જણાવ્યું હતું કે, નાગરિકો સરકારની એક પણ યોજનાથી વંચિત ન રહે અને તેના તમામ પ્રશ્નો એક જ સમય અને સ્થળે ઉકેલ આવે તે માટે સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. સેવા સેતુ કાર્યક્રમની નોંધપાત્ર સફળતા બાદ આ પાંચમા તબક્કાના સેવાસેતુ કાર્યક્રમમાં ઘર આંગણે તમારા પ્રશ્નો અને સમસ્યાઓ હલ થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે તેનો મહત્તમ લાભ લેવાની ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો. કાર્યક્રમના પ્રારંભે ચીફ ઓફિસર સોનીએ સ્વાગત પ્રવચનમાં સેવા સેતુ કાર્યક્રમનો હેતુ સમજાવ્યો હતો. આ પ્રસંગે આગેવાન પદાધિકારીઓ,નગરપાલિકાના હોદ્દેદારો, નગરપાલિકા સ્ટાફ, અમલીકરણ અધિકારીગણ, લાભાર્થીઓ અને વોર્ડ નં.૭, ૧૦ અને ૧૧ ના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other