રાજ્યભરના બીઆરસી, યુઆરસી તેમજ સીઆરસી કૉ-ઓર્ડિનેટરો માટે સરકારના રાહતભર્યા સમાચાર
રાજ્ય સરકારે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની માંગણી સ્વીકારી : સંઘનો આવકાર
(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : ‘સમગ્ર શિક્ષા’ અભિયાન હેઠળ પ્રતિનિયુક્તિથી રાજ્યભરમાં બીઆરસી, યુઆરસી તથા સીઆરસી કૉ-ઓર્ડિનેટરો ફરજ બજાવે છે. પ્રતિનિયુક્ત આ શાળા સંયોજકોને પોતાનાં જોબચાર્ટ અન્વયે દૈનિક ટૂર ડાયરી મુજબ પોતાના ક્લસ્ટરમાં સમાવિષ્ટ ગામોની પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાઓમાં રોજેરોજ મુલાકાતે જવાનું થતું હોય છે. રાજ્યમાં હાલની કોરોનાની ભયાવહ પરિસ્થિતિને પગલે સમગ્ર રાજ્યના કો-ઓર્ડીનેટરો પોતાની શાળા મુલાકાત સંદર્ભે ખૂબજ અવઢવમાં હતા.
આ સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવી અને તેની ગંભીરતા સમજી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા તથા મહામંત્રી સતિષભાઈ પટેલ દ્વારા અભિયાનના સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર પી.ભારતીને કૉ-ઓર્ડિનેટરોની રોજિંદી શાળા મુલાકાત બાબતે લેખિત રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતને વ્યાજબી સમજી મહોદયાએ ત્વરિત નિર્ણય લઇ લેખિત જાહેર કર્યું હતું કે હાલ કોરોનાનું સંક્રમણ વધુ છે જેથી બીઆરસી, યુઆરસી તથા સીઆરસી કૉ-ઓર્ડિનેટરોને તેમની ટૂર ડાયરી મુજબ શાળા મુલાકાત કરવા અંગે બીજી સૂચના ન મળે ત્યાં સુધી મુક્તિ આપવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન દરેકે બીઆરસી ભવન ખાતે સંદર્ભ દર્શિત પરિપત્રની સૂચના અનુસાર કામગીરી કરવાની રહેશે.
આ તબક્કે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલ તથા મહામંત્રી અરવિંદભાઈ ચૌધરીએ એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે કોરોનાના વ્યાપક ફેલાવાના પગલે શાળા તેમજ મુલાકાતી એમ બંને પક્ષે સંક્રમણનો ભય ડોકાઈ રહ્યો હતો ત્યારે આ નાજુક પરિસ્થિતિમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની સમયસરની રજૂઆત સાચા અર્થમાં આવકારદાયક છે. બંને મહાનુભાવોએ શિક્ષકોના હિતાર્થે માનવીય અભિગમ દાખવી યોગ્ય નિર્ણય લેવા બદલ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. એમ જિલ્લા સંઘના પ્રચાર-પ્રસાર મંત્રી વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.