તાપી જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો. હર્ષદ પટેલે પોતે વેક્સિનનો ડોઝ લીધો : નાગરિકોને વેક્સિનથી કોઈ ખતરો નથી.‘વેક્સિન લો, સુરક્ષિત થાઓ ’ ના સૂત્ર સાથે સંદેશ પાઠવ્યો
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) તા.૦૧ઃ તાપી જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી શ્રી ડો.હર્ષદ પટેલે આજરોજ કોરોના વેકસીનનો ડોઝ લઈને લોકોને સંદેશો આપ્યો હતો કે વેક્સિનની સુરક્ષિત છે. જિલ્લામાં વેક્સિનેશન દરમિયાન આરોગ્ય કર્મીઓ તથા પોલીસ ખાતાના વિભાગને કોરોનાકાળ દરમિયાન સમાજની સુખાકારી અને લોકોની સુરક્ષા માટે ખડેપગે પોતાની ફરજ બજાવવા બદલ તેમણે વેક્સિનના ડોઝ અંગે પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. સાથે ગ્રામ્ય ક્ષેત્રે સીધા સંપર્કમાં રહી કાર્ય કરતા આશા વર્કરો તથા આંગણવાડીની બહેનો પણ કોરોના સામેના જંગમાં પહેલા પોતે સુરક્ષિત બને તે પણ ખૂબ જરૂરી છે. કોરોના વેક્સિન અંગે નાગરિકોને ભયમુક્ત કરવા જીલ્લા તંત્ર તથા રાજ્ય સરકારે નાગરિકોને વારંવાર સૂચનો કર્યા છે કે વેક્સિનની કોઈ આડઅસર થતી નથી તથા તે કોરોનાથી સુરક્ષિત રહેવા માટેનું ઉત્તમ હથિયાર છે. પરંતુ ડો. હર્ષદ પટેલે પોતે વેક્સિનનો ડોઝ લઈને નાગરિકોને એક સંદેશો પાઠવ્યો છે કે રસીનો ડોઝ સ્વાસ્થ્ય માટે અને કોરોનામુક્ત રહેવા માટે સુરક્ષિત છે. વધુમાં તેમણે કહયું હતું કે મેં પણ કોરોના વેક્સિન લીધી છે. તેની હજુ સુધી મને કોઈ આડઅસર થઇ નથી. આમ તેમણે .‘વેક્સિન લો, સુરક્ષિત થાઓ ’ ના સૂત્ર સાથે સંદેશ પાઠવતા વેક્સિન અંગે કોઈ પણ પ્રકારની અફવાથી દૂર રહેવા માટે અનુરોધ કર્યો હતો.
૦૦૦૦૦૦