કોરોનાકાળ દરમિયાન સમાજની સુરક્ષા માટે ખડેપગે ફરજ બજાવનાર પોલીસકર્મીઓને વેકસીનનો ડોઝ અપાયો..
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) : તાપી જિલ્લામાં કોરોનાને નાથવા વહીવટ તંત્ર સાથે આરોગ્ય વિભાગે જે રીતે કામગીરી કરી તે ખૂબ જ સરાહનીય છે જેથી જિલ્લામાં કોરોનાને કાબુમાં કરવામાં મોટી સફળતા મળી. વધુમાં અગાઉ કોરોનાકાળ દરમિયાન કોરોનાગ્રસ્ત લોકોને કોરોનાથી બચાવનાર ડોક્ટરો તથા આરોગ્ય કર્મીઓને પ્રથમ પ્રાધાન્ય આપીને તેમને વેકસીનનો ડોઝ અપાયો હતો. જે બાદ બીજા તબક્કામાં હવે જિલ્લામાં કોરોનાકાળ દરમિયાન સમાજની સુરક્ષામાં ખડેપગે ફરજ બજાવનાર પોલીસકર્મીઓ અને અધિકારીઓને આજે તા.31.01.2021ના રોજ જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે કોવિશિલ્ડ વેકસીનનો ડોઝ અપાયો હતો.
જિલ્લા પોલીસ વડા સુજાતા મજમુદારે આ પ્રસંગે જણાવ્યું કે, લોકડાઉનથી લઈને અત્યાર સુધી કોરોના મહામારીથી લડતા પોલીસ કર્મીઓ તથા અધિકારીઓના સ્વાસ્થ્ય સુરક્ષાને ધ્યાનમાં લઈને આજથી કોરોના વેકસીનેશન કાર્યક્રમ આયોજિત કરાયો છે જે 4 થી 5 દિવસ ચાલશે, જેમાં પોલીસકર્મીઓ, પોલીસ સિવિલિયન સ્ટાફ, PRB, હોમગાર્ડ, GRD તથા ખાતા સાથે સંકળાયેલા તમામ કર્મીઓ/અધિકારીઓને વેકસીનનો ડોઝ આપવામાં આવશે.
પોલીસ વડા મજમુદારે વધુમાં કહ્યું કે, દરરોજ તમામ કેન્દ્રો પર 100-100 જેટલા પોલીસ કર્મીઓને ડોઝ આપવામાં આવશે. આ કાર્યક્રમ પોલીસ સુરક્ષાને ધ્યાનમાં રાખી યોજાયો છે. વધુમાં તેમને કહ્યું કે, નાગરિકોએ વેકસીનની આડઅસર સંબંધિત અફવાઓથી દૂર રહેવું જોઈએ. જણાવી દઈએ કે ગુજરાતમાં તાપી જીલ્લો એવો જિલ્લો છે જ્યાં કોરોના વધુ પગ ફેલાવી શક્યો નહિ અને તેનો શ્રેય તંત્રની સુચારૂ કામગીરી, આરોગ્યકર્મીઓ અને પોલીસકર્મીઓને ફાળે જાય છે.
વેકસીનેશનના બીજા તબક્કામાં નાયબ પોલીસ અધિક્ષક એ.કે.પટેલ, આર.એલ.માવાણી, સુજીત રોય સહિત પોલીસ અધિકારીઓ/ કર્મચારીઓ ઉત્સાહભેર જોડાયા હતા..