તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના બોરદા અને બુધવાડા ગામો માટે સરકારે રૂપિયા ૨૩૨ લાખના રસ્તાઓ મંજુર કર્યા
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની આગેવાની હેઠળની વર્તમાન સરકાર આદિજાતિ વિસ્તારોના વિકાસ માટે સતત સંવેદનશીલ નિર્ણયો લઈ રહી છે. જેના ભાગરૂપે તાપી જિલ્લાના સોનગઢ તાલુકામા શેરૂલા બોરદા મેઈન રસ્તાથી બુધવાડા જતા ૬ કિ.મીના રસ્તા માટે રૂપિયા ૧૮૦ લાખ અને શેરૂલા બોરદા મુખ્ય રસ્તાથી જુની કુઈલીવેલ ગામોને જોડતા રસ્તા માટે રૂપિયા ૫૨.૫૦ લાખની રકમ મંજુર કરી છે. આ સોનગઢ તાલુકાના વિકાસ માટેના પ્રમુખ રસ્તાઓ છે. આ રસ્તાઓ માટે માટીકામ, મેટલ અને ડામર કામ તથા જરૂરી નાળા અને સ્ટ્રક્ચરની કામગીરી માટે રૂપિયા ૨૩૨.૫૦ લાખ રકમની ફાળવણી કરવાની જાહેરાત નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલે કરી છે.
ઉલ્લેખનીય છે કે, વન વિભાગ વિસ્તારમાં આવતા હોવાથી આ રસ્તાઓ અત્યાર સુધી મંજુર થતા ન હતા. પરંતુ વનમંત્રીશ્રી ગણપતસિંહ વસાવાએ ફ્ક્ત પંદર દિવસના ટુંકા ગાળામાં તેની મંજુરી આપતા આ રસ્તાઓ માર્ગ અને મકાન વિભાગ દ્વારા મંજુર થઈ શક્યા છે. આ નોન પ્લાન રસ્તાઓ માટે તાપી જિલ્લા સંગઠન પ્રમુખ જયરામભાઈ ગામીત, મહામંત્રી જય વસાવા, બોરદા તાલુકા પંચાયત સદસ્ય રામસીંગ વસાવા અને જિ.પંચાયત સદસ્ય સારિકાબેન વસાવા દ્વારા વિવિધ કક્ષાએ રજુઆતો કરવામાં આવી હતી. મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા સહિત જિલ્લાના સોનગઢ તાલુકાના આદિવાસી સમાજના આગેવાનો દ્વારા સરકારના આ નિર્ણયની આવકારી આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી છે.