તાપી ડી.ડી.ઓ. નેહા સિંઘની અધ્યક્ષતામાં જિલ્લા જળ અને જાહેર સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લા વિકાસ અધિકારી નેહાસિંઘની અધ્યક્ષતામાં સેવા સદન વ્યારા ખાતે જિલ્લા જળ અને જાહેર સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઓગમેન્ટેશન ઈન ટેપ કનેક્ટીવીટી ઈન રૂરલ એરિયા(ટ્રાયબલ) કાર્યક્રમ અંતર્ગત પ્રગતિ હેઠળના કામો તથા સ્વજલધારા/એન.આર.ડી.ડબલ્યુ.પી. કાર્યક્રમ હેઠળ પૂર્ણ થયેલ ઘર જોડાણના કામોની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.
બેઠકમાં પાણી સમિતીઓ દ્વારા રજુ કરવામાં આવેલ દરખાસ્તમાં સોનગઢ તાલુકાના ચકવાણ અને ખેરવાડા, વ્યારા તાલુકામાં ટીચકપુરા અને પનિયારી, વાલોડ તાલુકામાં કલમકુઈ,કુંભિયા,ખાંભલા અને નાઠોલા તથા ડોલવણ તાલુકાના કેલવણ, ચકધરા અને આસોપાલો મળી અંદાજિત કુલ રૂપિયા ૨૦૬.૨૧ લાખના ખર્ચની ૧૧ ગામોની દરખાસ્તને મંજુર કરાઈ હતી. ઉપરાંત અંદાજિત રૂપિયા ૪૩૦ લાખના ખર્ચે થનાર ૩૫ ઓગમેન્ટેશન ઈન ટેપ કનેક્ટીવીટી ઈન રૂરલ એરિયા (ટ્રાયબલ) યોજનાઓને પણ વ્મંજુર કરવામાં આવી હતી. અધ્યક્ષશ્રીએ મંજુર થયેલ કામો યોગ્ય ગુણવત્તાયુક્ત અને સમય મર્યાદામાં પુરા કરવા સબંધિત અધિકારીઓને સુચના આપી હતી. તેમણે જણાવ્યું કે, જિલ્લામાં પાણી પુરવઠાના કામો અન્ય વિભાગો દ્વારા પણ કરવામાં આવતા હોવાથી સબંધિત તમામ વિભાગોએ પરસ્પર સંકલનમાં રહી આયોજન કરવુ જેથી કરીને કામોનું ડુપ્લીકેશન ન થાય.
બેઠક્માં વોસ્મોના યુનિટ મેનેજર એસ.એમ.શાહુએ ઓગમેન્ટેશન ઈન ટેપ કનેક્ટીવીટી ઈન રૂરલ એરિયા (ટ્રાયબલ) કાર્યક્રમ હેઠળ વર્ષ ૨૦૦૫-૦૬ થી અત્યાર સુધી મંજુર કરવામાં આવેલ ૫૯૭ યોજનાઓ પૈકી ૫૩૮ યોજનાઓ પૂર્ણ કરવામાં આવી છે. જ્યારે બાકી કામો પ્રગતિમાં જ્યારે સ્વજલધારા/એન.આર.ડી.ડબલ્યુ.પી. કાર્યક્રમ હેઠળ ૧૪૬૫૫૨ ઘર જોડાણ પૂર્ણ કરાયા હોવાનું જણાવ્યું હતુ. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની ગુણવત્તા જળવાઈ રહે અને પાણી સમિતીઓ ગ્રામ્ય લેવલે પાણી શુદ્દિકરણની પધ્ધતીઓથી વાકેફ થાય તે માટે તાલીમ આપવામાં આવે છે. ચાલુ સાલે પ્રિ-મોન્સુન વોટર ક્વોલિટી કાર્યક્રમ હેઠળ અત્યાર સુધીમાં ૩૩૨૭ પાણીના નમુનાઓનું રાસાયણિક પરિક્ષણ કરવામાં આવ્યું હતુ.
આ બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર બી.બી.વહોનીયાએ જરૂરી કેટલાક રચનાત્મક સુચનો કરી કોઈ પણ કામનું ડુપ્લિકેશન ન થાય તે માટે સબંધિત અમલીકરણ અધિકારીઓએ જાતે સ્થળ ચકાસણી કરીને કામનું આયોજન કરવા જણાવ્યું હતુ. આ મિટીંગમાં પ્રાયોજના વહીવટદાર વિજય પટેલ, નાયબ જિ.વિકાસ અધિકારી જી.આર.વસાવા, વોસ્મોના કા.પા.ઈજનેર એસ.એમ.દુબે, ના.કા.ઈ. અરૂણ ગામીત સહિત સબંધિત અધિકારીઓ હાજર રહ્યા હતા.