તાપી જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે ખેડૂતોને તકેદારીનાં પગલા લેવા ભલામણ

Contact News Publisher

જીલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, જીલ્લા પંચાયત, તાપી-વ્યારાની યાદી જણાવે છે કે હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને આગામી તા. ૦૬/૧૧/૨૦૧૯ ની આસપાસ “મહા” નામના વાવાઝોડાના કારણે મહદઅંશે તાપી જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી માવઠા/ મધ્યમ થી ભારે વરસાદની આગાહી થયેલ છે. જે પરિસ્થિતિ જોતાં આવા સમયે મોટા ભાગે ખેડૂતો પાક અને જાનમાલના રક્ષણ માટે ઉચિત પગલાં લેતા જ હોઇ છે, તેમ છતાં નીચે મુજબના તકેદારીનાં પગલા લેવા સંબંધિત ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે.
શક્ય હોઇ ત્યાં ખરીફ સીઝનના લાંબા ગાળાના ઉભા પાકમાં પિયત આપવાનું ટાળવું જેથી વધારે ભેજવાળુ હવામાન ટાળી શકાય અને સંભવીત રોગ/જીવાતનો ઉપદ્રવ અટકાવી શકાય. તેમજ જંતુનાશક દવા/ખાતર ઉપયોગ આ સમયગાળો પૂરતો ટાળવો અને વધુમાં ભારે વરસાદના લીધે નીચાણવાળા ઉભા પાકના ખેતરોમાં પાણી ભરાઇ રહેતું હોઇ તો ખેતરમાં ભરાઇ રહેલા પાણીનો નિકાલ તાત્કાલિક કરવા જરૂરી આગોતરૂં આયોજન કરવું, રવિ પાકનું વાવેતર શક્ય હોય તો મુલતવી રાખવું, તેમજ અનુકુળ વાતાવરણ થયે રવિ પાકોનું વાવેતર તુરંત કરવું.
ખેતરમાં કાપણી કરેલ પાક અથવા ઘાસચારો ખુલ્લા હોય તો તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી, અથવા પ્લાસ્ટીક/તાડપત્રીથી યોગ્ય રીતે ઢાકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતુ અટકાવવું, તેમજ કપાસના પાકમાં તૈયાર થયેલ જીંડવા તાત્કાલીક વીણાવી લેવા, મગફળી/ડાંગર જેવા ખરીફ પાકો કાપણી માટે તૈયાર થયેલ હોય તો હાલ પુરતી કામગીરી મુલતવી રાખવી તેમજ વધુ પવનથી નુક્શાન ન થાય તે માટે બાગાયતી પાકોમાં ફળોની સમયસર વીણી કરીને ટેકો આપવાની વ્યવસ્થા કરવી, તેમજ ખાસ કરીને વાવાઝોડાના સમય દરમ્યાન પાલતું પશુઓને ખુલ્લામાં વીજળીના થાભલા કે ઝાડની નીચે ન રાખતા સલામત સ્થળે રાખવા.
આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક/ વિસ્તરણ અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક (તા.મુ.), જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક(વિ.), નાયબ ખેતી નિયામક (તાલીમ) અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર-૧૮૦૦૧૮૦૧૫૫૧ નો સંપર્ક કરવો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *