માંગરોળ તાલુકાના કોસાડી ગામે ૩૫ દિવસથી તલાટી ન આવતાં પ્રજાજનોના અટવાતા કામો
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકાનાં કોસાડી ગામે છેલ્લા ૩૫ દિવસથી તલાટી નહીં આવતાં ગ્રામ પંચાયત કચેરી બંધ થઈ જવા પામી છે. સાથે જ પ્રજાજનોના કામો ન થતાં પ્રજાજનોની પરેશાની વધી છે. કોસાડી માંગરોળ તાલુકાનું વસ્તીની દ્રષ્ટિએ મોટું ગામ છે. કોસાડી ગ્રામ પંચાયત કચેરી છેલ્લા ૩૫ દિવસોથી તલાટી નહીં હોવાથી બંધ પડી છે. કોસાડીન તલાટીની બદલી ઓલપાડ ખાતે કરી, એની જગ્યાએ માંડવી ખાતે ફરજ બજાવતાં એક તલાટીની કોસાડી ખાતે બદલી કરાઈ હતી. પરંતુ બદલી કરાયેલ તલાટી આજદિન સુધી કોસાડી ખાતે ફરજ પર હાજર થયા નથી, એમણે લાંબી રજા મૂકી દીધી છે. આ પ્રશ્ન હલ કરવા માંગરોળ, તાલુકા પંચાયત કચેરીએ કોસાડી નજીક આવેલા સીમોદરા ખાતે ફરજ બજાવતાં તલાટીની કોસાડીન ચાર્જ આપવામાં આવ્યો છે. જેને પણ આજે ઍક અઠવાડિયા કરતાં વધુ સમય થયો છે. પરંતુ આ ચાર્જ લેનારા તલાટી આજદિન સુધી એક પણ દિવસ કોસાડી ખાતે ફરજ ઉપર આવ્યા નથી. જેને પગલે ગ્રામજનોના ગ્રામ પંચાયતને લગતાં તમામ કામો ટલ્લે ચઢી ગયા છે. માંગરોળ, તાલુકા પંચાયત દ્વારા આ પ્રશ્ન હલ કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.