ડાંગમાં દિવાળીની ખરીદી “સખી” ને સંગ

Contact News Publisher

ડાંગને આંગણે વડાપ્રધાનશ્રીની “લોકલ ફોર દિવાળી” ના મંત્રને અપનાવવાનો સ્વર્ણ અવસર 

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) :: “કોરોના કાળ” મા “આત્મનિર્ભર ભારત” અભિયાનના લોન્ચિંગ સાથે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ “વોકલ ફોર લોકલ”ની અપીલ સાથે સ્થાનિક અર્થવ્યવસ્થાને ગતિ આપવાની હિમાયત કરી હતી. જેના પડઘા ગુજરાતના છેક છેવાડે આવેલા ડાંગ જિલ્લામા પણ પડ્યા છે.

ડાંગ જિલ્લાના મુખ્ય વહીવટી મથક આહવા ખાતે જૂની કલેકટર કચેરીની સામે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની “મિશન મંગલમ યોજના” હેઠળના ડાંગી આદિવાસી મહિલાઓના સમૂહ જૂથની બહેનોના વિવિધ વાનગીઓના વેચાણ સ્ટોલ્સ કાર્યરત કરી, “લોકલ ફોર દિવાળી” ના વડાપ્રધાનશ્રીના મંત્રને અપનાવવાની ડાંગવાસીઓને તક પૂરી પાડવામા આવી છે.

ડાંગના વિવિધ સખી મંડળોને ઘર આંગણે જ રોજગારી પૂરી પાડી આત્મનિર્ભરતા તરફ અગ્રેસર કરતા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી આર.બી.ચૌધરી એ આહવા ખાતે આ વેચાણ કેન્દ્રોને કાર્યાન્વિત કરાવીને અહી દિવાળીના તહેવારને અનુલક્ષીને ગૃહ સજાવટની વિવિધ ચીજવસ્તુઓ સહીત રંગોળી અને દીવડા, નાગલીના વિવિધ ઉત્પાદનો, દિવાળીના નાસ્તા, કપડા જેવી ચીજવસ્તુઓનુ વેચાણ શરુ કરાવ્યુ છે. શ્રી ચૌધરીએ ડાંગવાસીઓને આ દિવાળીની ખરીદીમાં “સખી” ને સહયોગ આપવાની અપીલ કરી છે.

વેચાણ કેન્દ્રોના પ્રારંભે આહવાના આયોજન-સહ-તાલુકા વિકાસ અધિકારી શ્રી શિવાજી તબિયાર, સહાયક માહિતી નિયામક શ્રી કે.એસ.પરમાર સહીત સખી મંડળની બહેનો, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના કર્મયોગીઓ વિગેરેએ ઉપસ્થિત રહી સ્ટોલ ધારકોને શુભેચ્છા પાઠવી હતી.

ઉલ્લેખનીય છે કે, સ્થાનિક રોજગારીના સર્જનમા મહત્વની ભૂમિકા ભજવનારા નડગખાદીના રિદ્ધિ સિદ્ધિ સખી મંડળ સહીત આહવાના ગુરુકૃપા સખી મંડળ, અને પ્રાર્થના સખી મંડળ દ્વારા આ સ્ટોલ્સ ઉપર વિવિધ ચીજવસ્તુઓનુ વેચાણ કરવામા આવી રહ્યુ છે.

“સખી મંડળ”ના આ વેચાણ કેન્દ્રોનુ સંકલન અને લાયઝનીંગ તાલુકા લાઈવલી હુડ મેનેજર રજનીબેન ચૌધરી, એ.પી.ઓ. નયનાબેન પટેલ તથા તાલુકાની ટીમ દ્વારા કરવામા આવ્યુ હતુ.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other