તાપી : પ્રાઇવેટ સેક્ટરના માલીકોએ તેમના કર્મચારીની વિગત પોલીસ સ્ટેશનમાં આપવી પડશે
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) : ભૂતકાળમાં જિલ્લામાં લૂંટ, ધાડ, ખૂન તથા અપહરણ જેવા બનેલા બનાવોના આરોપીઓની વિગતો જોતાં, ઘણા કિસ્સાઓમાં વિવિધ ઔઘોગિક એકમોમાં કામ કરતાં પ૨પ્રાંતિય કારીગરો આવા ગુન્હા પોતે અથવા તેના સાગરીતો ઘ્વારા આચર્યા બાદ ભાગી જતા હોય છે. જયારે કેટલાક કિસ્સામાં પરપ્રાંતીય કારીગરો તેમના વતનમાં કે અન્ય કોઇ શહેરમાં ગંભીર ગુનાઓ આચરી તાપી જિલ્લામાં આશરો લેતા હોય છે. આવી વ્યકિતઓ સલામતી અને શાંતિ જોખમાય તેવા કૃત્ય કરતા હોય છે. આ બાબતને ઘ્યાને લઇ અધિક જિલ્લા મેજિસ્ટેટ બી.બી. વહોનીયાએ જાહેર જનતાની શાંતિ અને સલામતી જળવાઇ રહે તે માટે એક જાહેરનામાં ઘ્વારા જરુરી હુકમ ફરમાવ્યો છે.
જે અનુસાર તાપી જિલ્લામાં બાંધકામ બિલ્ડર્સ તથા અન્ય ઉઘોગો સાથે સંકળાયેલા તમામ પ્રાઇવેટ સેકટરના માલિકો/મેનેજમેન્ટ સ્ટાફ કે જેઓના યુનિટમાં કર્મચારીઓ, કારીગરો, મજુરો હાલમાં કામ પર છે. તેવા અને હવે પછી કામ પર રાખવાના છે તેવા કાયમી, હંગામી, રોંજીદા કે કોન્ટ્રાકટના કર્મચારી/ કારીગરો, મજુરોની હકીકત તૈયાર કરી સબંધિત પોલીસ સ્ટેશનને આપવાની રહેશે. આ જાહેરનામું તા. ૨૮/૧૨/૨૦૨૦ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.