કીમ ઓવરબ્રિજની ખરી કામગીરી હજુ બાકી, ત્રણ વર્ષ થયાં છતાં કામગીરી પૂર્ણ કરવામાં એજન્સી નિષ્ફળ ગઈ હોય બ્લેકલિસ્ટ કરવા જિલ્લા પંચાયતના સદસ્ય દર્શન નાયકની માંગ : પ્રજામાં ભારે રોષ
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સુરત જિલ્લા પંચાયતના સદસ્ય અને એડવોકેટ દર્શનભાઈ નાયકે, રાજ્યનાં મુખ્ય સચિવ, સચિવ અને તકેદારી આયોગને લેખિતમાં રજુઆત કરી છે કે સુરત જિલ્લાનાં ઓલપાડ તાલુકાનાં કીમ ગામે ઓવરબ્રિજ બનાવવાનું ટેન્ડર પાસ કરી, આ કામ રચના કન્સ્ટ્રકશન નામની એજન્સીને સને ૨૦૧૭ માં આપવામાં આવ્યું હતું. આજે ત્રણ વર્ષનો સમય ગાળો વીતી ગયો છે અને આ કામ પૂર્ણ કરવા માટે સમય મર્યાદા પણ નક્કી કરાઈ છે. પરંતુ એજન્સીની કામ કરવાનું ઢીલી નીતિને લીધે આ કામ હજુ પણ બે વર્ષમાં પણ પૂર્ણ થાય એમ લાગતું નથી. જેને પગલે પ્રજાજનોમાં ભારે રોષ જોવા મળી રહયો છે. આ પ્રશ્ને સુરત જિલ્લા પંચાયતના સક્રિય સદસ્ય અને એડવોકેટ દર્શનભાઈ નાયકે, ઓવર બ્રિજના બાંધકામમાં લાલીયાવાડી દાખવનાર આ એજન્સીને બ્લેકલિસ્ટ કરવા માંગ કરી છે. એમણે કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે આ ઓવરબ્રિજની મુખ્ય કામગીરી જ હજુ કરવાની બાકી છે. જેમાં બ્રિજ ના બંને છેડા તરફના એપ્રોચથી માંડીને રેલવે ક્રોસિંગ, રિટેઇલનિગ દીવાલ, ગેસ લાઈન ખસેડવાની કામગીર, ડ્રેનેજ લાઈન, ઇલેક્ટ્રીક લાઈન, દબાણો, રેલવે પાસ વિસ્તારમાં બ્રિજની કામગીરી સહિતની અનેક કામ ગીરીઓ બાકી છે. આ ઓવરબ્રિજ પર થઈ ઓલપાડ થી રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૪૮ પર જઈ શકાય છે. આ બધી કામગીરી પૂર્ણ કરતાં બે વર્ષ લાગશે એમ લાગી રહ્યું છે. એમણે આ એજન્સી સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી, પેનલ્ટી વસૂલવા માંગ કરી છે. ઓવરબ્રિજની અધૂરી કામગીરીને લઈ પ્રજાજનો ભારે હાલાકી ભોગ વી રહ્યા છે. સાથે જ ટ્રાફીફ જામની સમસ્યા વકરી રહી છે. રજૂઆતના અંતમાં જણાવ્યું છે કે આ ઓવર બ્રિજની કામગીરી સત્વરે પૂર્ણ કરવામાં આવે એ દિશામાં નક્કર પગલાં ભરવા માંગ કરી છે.