NSUI દ્વારા તાપી જીલ્લાની કોલેજોમાં બેઠકો વધારી પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માંગ : માંગ નહિ સંતોષાય તો વિરોધ પ્રદર્શનની ચિમકી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારા NSUI દ્વારા આવેદન પત્ર આપી કલેક્ટર સમક્ષ માંગ કરી છે કે, ધોરણ 12ની પૂરક પરીક્ષામાં ઉત્તિર્ણ થનાર વિદ્યાર્થીઓને કોલેજનાં પ્રથમ વર્ષમાં પ્રવેશ આપવામાં આવે તથા જીલ્લામાં આવેલ કોલેજોમાં બેઠકોની સંખ્યા વધારવામાં આવે. જો તેમ કરવામાં નહિ આવે તો જિલ્લાની કોલેજોમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે એવી ચિમકી પણ આવેદન પત્રમાં ઉચ્ચારવામાં આવી છે.
તાપી જિલ્લા કલેક્ટરને વ્યારા NSUI દ્વારા આવેદન પત્ર સોંપીને વિદ્યાર્થીઓને પડતી તકલીફો વિશે જાણ કરી વિદ્યાર્થીઓની માંગ અંગે રજૂઆત કરી હતી. આવેદન પત્રમાં જણાવાયું છે કે, શૈક્ષણિક વર્ષ 2020-21માં પ્રથમ વર્ષમાં પ્રવેશનાં પ્રથમ તબ્બક્કામાં પ્રવેશથી વંચિત રહી ગયેલા વિદ્યાર્થીઓને યુનિ. સંચાલિત તાપી જીલ્લાની અનુદાનિત તેમજ સ્વનિર્ભર કોલેજોમાં પ્રથમ વર્ષ B.A.માં પ્રવેશ આપવામાં નથી આવી રહ્યો જેથી વિદ્યાર્થીઓની લાગણીને ધ્યાને લઇ તાપી જીલ્લાની અનુદાનિત તેમજ સ્વનિર્ભર કોલેજોમાં પ્રથમ વર્ષ B.A.માં પ્રવેશ આપવામાં આવે જેથી આદિવાસી વિસ્તારમાંથી આવતાં ગરીબ અને આદિવાસી વિદ્યાર્થીઓનું ભવિષ્ય અને શૈક્ષણિક વર્ષ ન બગડે. NSUI દ્વારા એવી માંગ પણ કરવામાં આવી છે કે, ઉપરોકત મુદ્દે તાત્કાલિક ધોરણે તાપી જીલ્લાની કોલેજોનાં આચાર્ય સાથે બેઠક યોજી વિચાર વિમર્શ કરી કુલ ભરવાપાત્ર બેઠકોમાં વધારો કરવામાં આવે તે અત્યંત જરૂરી છે. આ માંગો સંતોષવામાં નહિ આવે તો તાપી જીલ્લાની આર્ટ્સ ઍન્ડ કોમર્સ કોલેજ વ્યારા, સરકારી વિનિયન વાણિજ્ય કોલેજ સોનગઢ, સરકારી વિનિયન કોલેજ ઉચ્છલ, આર્ટ્સ ઍન્ડ કોમર્સ કોલેજ નિઝર ખાતે જઈ NSUI વિરોધ પ્રદર્શન કરશે એવી ચિમકી ઉચ્ચારવામાં આવી છે.