માંગરોળ તાલુકાના ૧૧ ગામોમાં, DGVCLની ડીવીઝન કચેરીની ટીમની રેડ : ૨૫ વીજજોડાણોમાંથી બે લાખની વીજ ચોરી ઝડપી પાડી
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : તાલુકા મથક માંગરોળ ખાતે DGVCL ની નાયબ કાર્યપાલક ઈજનેર કક્ષાની કચેરી કાર્યરત છે. આ કચેરીનાં કાર્યક્ષેત્રમાં આવતાં ગામોમાંથી આજે તારીખ ૨૯ મી ઓક્ટોબરનાં રોજ વહેલી સવારે બારડોલી DGVCL ની ડીવીઝન કચેરીની ટીમોએ માંગરોળ તાલુકાનાં માંગરોળ, મોસાલી, ઝંખવાવ, ઇસનપુર, વડ, લવેટ, સેલારપુર, ગડકાછ, આંબાવાડી, વાંકલ, ઝીનોરા આમ કુલ ૧૧ ગામોમાં એકી સાથે રેડ કરવામાં આવી હતી. ટીમોએ કુલ ૫૫૦ વીજજોડાણો ચેક કર્યા હતા.જેમાંથી ૨૫ વીજજોડાણોમાં વીજ ચોરી થતી હોવાનું બહાર આવ્યું હતું. જેથી આ ૨૫ લોકોને ૧ લાખ, ૯૬ હજાર રૂપિયાના વીજ ચોરીનાં પુરવણી બીલો પકડાવી દેવામાં આવ્યા છે. કુલ ૧૩ કરતાં વધુ વાહનોમાં ૧૩ જેટલી ટીમો આવી હતી. એટલે કે ૭૦ કરતાં વધુ અધિકારી અને કર્મચારીઓએ આ કામગીરી હાથ ધરી હતી. વહેલી સવારે આ ચેકીંગની કામગીરી શરૂ કરવામાં આવી હતી,જે બોપોર સુધીમાં પુરી કરવામાં આવી હતી. જે લોકો લંગર નાખી વીજ ચોરી કરતાં હતાં. એમનાં લંગર પણ ઉઠાવી લાવવામાં આવ્યા છે. અત્રે યાદ આપવુ જરૂરી છે કે હજુ હાલમાં જ શિયાળાની મૌસમ શરૂ થઈ છે. ત્યારે DGVCL ની ચેકીંગ ટીમોએ રેડ કરી, વીજ ચોરી કરનારાઓની ઠડી ઉડાડી દીધી છે. જો વીજ ચોરી કરનારાઓ સમય મર્યાદામાં વીજ ચોરીનાં બિલોની રકમ ભરપાઈ ન કરશે તો એમની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે એમ જાણવા મળ્યું છે.